અમદાવાદઃ 19મી જૂનના રોજ યોજવનારી રાજ્યસભાની ચૂંટણી પર સ્ટે મુકવા માટે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાની દ્વારા કરાયેલી અરજી સુપ્રીમ કોર્ટ ફગાવી દીધી છે.
અરજદાર પરેશ ધાનાણીએ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પોસ્ટલ બેલેટથી મતદાનને પડકારતી અરજી દાખલ કરી સ્ટેની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સ્ટે આપવાનો ઇન્કાર કરી કેસને ચાર સપ્તાહ બાદ સુનાવણી માટે રાખ્યો છે.
નોંધનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 8 જેટલા ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ ભાજપ પર તેના ધારાસભ્યો ખરીદવાનો આક્ષેપ લગાવી રહી છે અને આ માટે જ કોંગ્રેસ તેમના ધારાસભ્યોને અન્ય સ્થળે રિસોર્ટમાં ખસેડી રહી છે.
કોંગ્રેસ પાસે હાલ માત્ર 65 ધારાસભ્યો છે. જેનાથી રાજ્યસભાની બે બેઠક જીતવી આસાન નથી. ગુજરાતમાં કુલ 4 રાજ્યસભાનો બેઠકો ખાલી પડી છે. ભાજપે 3 ઉમેદવાર ઉતાર્યા છે. કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી અને ફોર્મ ભર્યાં છે.
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી ભાજપ પાસે 103 અને કોંગ્રેસ પાસે હવે માત્ર 65 ધારાસભ્યો રહ્યાં છે, બાકી 10 સીટ ખાલી જાહેર કરાઈ છે. લોકડાઉન પહેલા ચૂંટણી જાહેર થઈ ત્યારે બે બેઠક ભાજપ અને બે બેઠક કોંગ્રેસ જીતે એમ હતા, પરંતુ અત્યાર સુધી કોંગ્રેસમાંથી 7 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હોવાથી કોંગ્રેસ બે બેઠક જીતી શકે એમ નથી.
બીજી તરફ ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે બેની જગ્યાએ ત્રણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જેમાં અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીનને મેદાનમાં ઉતાર્યા છે.