ગાંધીનગરઃ રાજ્યના પોલીસ વડા તરીકે કોને બેસાડવામાં આવશે તે બાબતને લઈને સમગ્ર પોલીસ વિભાગમાં ચર્ચા ચાલી રહી હતી. ત્રણ નામ છેલ્લે સુધી ચાલતા હતા. જેમાં આશિષ ભાટિયાનું નામ પહેલા નંબરે હતું. જ્યારે રાકેશ અસ્થાનાનું નામ બીજા નંબરે ચાલી રહ્યું હતું. આ પહેલા રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સર્કિટ હાઉસ ખાતે નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાનું નામ જાહેર કર્યું હતું. બીજી તરફ સવારથી જ પોલીસ ભવન ખાતે નિવૃત્ત થનારા પોલીસ વડાને વિદાય આપવાનો અને નવા પોલીસ વડાને આવકારવાના કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હતી.
પોલીસ ભવન ખાતે સાંજે 7:00 વાગ્યે રાજ્યના નવા પોલીસ વડા આશિષ ભાટિયાને પૂર્વ પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ડીજીપી બેટન આપીને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. તે દરમિયાન પોલીસ બેન્ડની સુરાવલીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે નિવૃત્ત થયેલા શિવાનંદ ઝાને ખુલ્લી જીપમાં બેસાડીને રાજ્યના અલગ અલગ જિલ્લાના પોલીસ વડા અને અધિકારીઓ દ્વારા આ જીપને ખેંચીને દરવાજા સુધી વિદાય આપી હતી.