ગાંધીનગર: ગૃહવિભાગે જાહેર કરેલા પરિપત્ર મુજબ, રાજ્યમાં કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે. આવા કિસ્સામાં જ્યારે આરોપી પકડાય ત્યારે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે સ્થળ પર હાજર મળી આવનારા નાગરિકોનો એટલે કે ખાનગી વ્યક્તિઓનો પંચ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કાયદાકીય અને કેસ ચાલવાની પ્રક્રિયા દરમિયાન આવા પંચ ઘણી વાતમાંથી ફરી જવાની પણ ઘટનાઓ બની જતી આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે.
આમ, આ કાયદાની છટકબારીનો લાભ લઈને આરોપીઓ પૂર્ણ ગુનાખોરી આચરતા હોય છે, ત્યારે આવી ઘટના ન બને તે માટે રાજ્યના ગૃહવિભાગે કાયદાના કડક કરતો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં હવે ખાનગી વ્યક્તિઓને એટલે કે સામાન્ય નાગરિકોને પંચ તરીકે નીમવામાં નહીં આવે, પરંતુ સરકારી કર્મચારીઓને પંચ તરીકે નિમવામાં આવશે.
રાજ્યમાં જ્યારે નાર્કોટિક્સના કેસ થાય છે, ત્યારે નિર્ણાયક જૂબાની આપી શકે અને આરોપીને વધુમાં વધુ સખત સજા થાય તે હેતુસર સરકારી કર્મચારીઓને પંચ તરીકે પસંદગી કરવાની રહેશે. જ્યારે પંચમાં પોલીસ કર્મચારીનો સમાવેશ નહીં કરી શકાય અને સરકારી કર્મચારી તટસ્થ હોય તેવા લોકોની જ પંચ તરીકે પસંદગી થશે.
જ્યારે પંચ તરીકેની પસંદગી બાબતે ગૃહવિભાગે પરિપત્રમાં જણાવ્યું છે કે, વર્ગ-૩ના કે તેનાથી ઉપલા દરજ્જાના કાયમી કર્મચારી અને અધિકારીને જ પંચ તરીકે લેવામાં આવશે. જ્યારે તટસ્થ પંચ મળે તે માટે જિલ્લાના મુખ્યમથકથી નહીં પણ તાલુકાના વડામથક અથવા તો 15 હજારથી વધુ વસ્તીવાળા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી પંચના સાક્ષી લેવા તજવીજ કરવાનો પણ આદેશ ગૃહવિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.