- રાજ્યમાં હવે યુવાઓને વેક્સિન ઝડપથી મળશે ૉ
- રાજ્ય સરકારે 16 લાખ ડોઝની ખરીદી કરી
- 1 મેથી આજ દિન સુધી 7,82,588 યુવાનોને વેક્સિન આપી
ગાંધીનગર: ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે 1 મેથી ગુજરાતમાં 18થી 44 વર્ષની વયના લોકોને કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે, 10 જિલ્લામાં વેક્સિનના ડોઝ ઓછા પડતા થોડા દિવસોથી વેક્સિનેશનની કામગીરી પણ મંદ ગતિએ ચાલી રહી હતી. ત્યારે, આજે સોમવારે રાજ્ય સરકારે 18થી 44 વર્ષની વયના લોકો માટે 16 લાખ ડોઝની ખરીદી કરી છે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરી
52 કરોડના ખર્ચે 16 રસીના ડોઝ ખરીદ્યા
18થી 44 વર્ષની વયના લોકોને ઝડપભેર વેક્સિન આપીને તેમને સુરક્ષાકવચ પૂરું પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે, તાકીદના ભાગરૂપે રાજ્ય સરકારે 18 થી 44 વર્ષના લોકોનાં વેક્સિનેશન માટે અત્યાર સુધીમાં 52 કરોડના ખર્ચે 16 લાખ ડોઝ ખરીદ્યા છે. રાજ્યમાં 10 શહેરોમાં હાલ ચાલી રહેલી 18થી 44 વય જૂથના લોકોના રસીકરણમાં એક અઠવાડિયા સુધી રોજના 1 લાખ ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. જેથી એક અઠવાડિયામાં અંદાજે 8 લાખ યુવાઓને કોરોના રસીકરણનો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓને રક્ષણ મળશે.
આ પણ વાંચો: રાજ્ય સરકાર કોરોના સામે લડવા 60,000 કિલો આયુર્વેદિક દવાનું વિતરણ કરશે
ફ્રંટલાઈન વોરિયર્સ અને 45થી વધુ વયના લોકો માટે વેક્સિનમાં ગુજરાત અવ્વલ
ફ્રંટલાઈન વોરિયર્સ, 45થી વધુ વયના લોકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે. ત્યારે, હવે 18થી 44 વય જૂથના લોકોનું પણ વ્યાપક અને ઝડપી રસીકરણ કરીને યુવાઓના આરોગ્યરક્ષા ક્ષેત્રે પણ દેશમાં અગ્રેસર રહેવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આજે સોમવારે સમગ્ર ગુજરાતમાં 98,745 યુવાનોનું વેક્સિનેશન કરાયું છે. આ સાથે ગુજરાતમાં કુલ 7,82,588 યુવાનોને વેક્સિન અપાઈ છે. જ્યારે, ગુજરાતમાં કુલ 1,56,01,373 લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે.