- હવે વેપાર ધંધા સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
- રાત્રી કરફ્યૂ રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે
- હોટલ રેસ્ટોરન્ટમાં રાત્રિના 10 વાગ્યા સુધી ટેક-અવે સુવિધા
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા એપ્રિલ મહિનામાં સતત 15 હજારની આસપાસ પોઝિટિવ કેસ નોંધાયા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે શરૂઆતના તબક્કામાં તમામ વેપાર ધંધાઓ બંધ કરીને રાજ્યમાં આંશિક લોકડાઉન લાગુ કર્યું હતું. ત્યારે હવે મે અને જૂન મહિનામાં પણ કેસમાં સતત ઘટાડો થવાના કારણે આજે બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ લોકડાઉનમાં રાહત આપવામાં આવી છે.
ક્યા પ્રકારની આપવામાં આવી રાહત
રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્સ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ 4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટ દ્વારા આપવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. જ્યારે 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂની મુદ્દત એક અઠવાડિયા સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો સમયગાળો રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.
કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરવું ફરજીયાત
રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉનમાં કોરોના કેસમાં સતત ઘટાડો થવાના કારણે રાહત આપવામાં આવી છે. વેપાર-ધંધામાં 3 કલાક વધુ સમય ફાળવવામાં આવ્યો છે. ત્યારે વેપાર રોજગારમાં ફરજિયાત કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરવું પડશે. આ સાથે જ 50 ટકાની સ્ટાફ કેપેસીટી ઉપરાંત સામાજિક અંતર, માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે.