ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરાયા બાદ 24 કલાકની અંદર જ રાજ્યના આરોગ્ય પ્રધાન નીતીન પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મેડિકલ-ડેન્ટલ પેરામેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભરવાની થતી સત્ર ફી ચાર હપ્તામાં ભરી શકાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મેડિકલ અને ડેન્ટલના કુલ 12,307 જેટલા વિદ્યાર્થીઓ તથા પેરામેડીકલના કુલ 22,844 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે આ તમામ વિદ્યાર્થીઓને લાભ મળશે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ફી ભરવાના મુદ્દાને ધ્યાનમાં લઇને જોઇએ તો, પ્રથમ હપ્તો સપ્ટેમ્બર મહિનામાં અને ચોથો હપ્તો ડિસેમ્બર મહિનામાં ભરી દેવાનો રહેશે. જ્યારે સક્ષમ વિદ્યાર્થીઓ એક સાથે ફી ભરી શકશે. મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓના પરિવારમાં આવક લોકડાઉન અને કોરોના કારણે ઘટી ગઇ હોવાથી રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ચાર હપ્તામાં ફી ભરવાની વ્યવસ્થા કરી આપી છે.
આ રીતે ફીનો પ્રથમ હપ્તો 25 ટકા સપ્ટેમ્બર મહિનાની 30 તારીખ સુધીમાં, બીજો હપ્તો ઓક્ટોબર મહિનાની 31 તારીખ સુધીમાં, ત્રીજો હપ્તો નવેમ્બર મહિનાની 30 તારીખ સુધીમાં અને ચોથો હપ્તો ડિસેમ્બર મહિનાની 31 તારીખ સુધીમાં ભરી દેવાનો રહેશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે સક્ષમ હોય અને એક સાથે સમગ્ર સત્રની ફી ભરવા માગતા હોય તેઓ સમગ્ર ફી એક સાથે પણ ભરી શકશે.