- છેલ્લા 24 કલાકમાં 19 પોઝીટીવ કેસ નોંઘાયા
- 13 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા
- 2 જિલ્લાઓ છોડીને તમામ જિલ્લામાં એક પણ કેસ નહિ
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ત્યારે 6 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં ફક્ત 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી ફક્ત 4 જ કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં જ કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે અન્ય તમામ કોર્પોરેશન વિસ્તાર અને 31 જિલ્લાઓમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
વેક્સિનના 6,01,254 ડોઝ આપવામાં આવ્યા
5 સપ્ટેમ્બર ના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 6,01,254 કોરોના વેક્સિનના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 2,63,081 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 1,72,160ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 4,97,04,707 નાગરિકોને વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 200થી નીચે
રાજ્યમાં હાલ કુલ 152 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 07 વેન્ટિલેટર પર અને 145 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,082 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,275 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.