- રાજ્ય સરકારે ધોરણ 12ની પરીક્ષાની તારીખ કરી જાહેર
- રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત
- 1 જુલાઈથી બોર્ડની પરીક્ષા થશે શરૂ
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાઇરસનો હાહાકાર છે અને એપ્રિલ મહિનામાં તો ગુજરાતમાં હોસ્પિટલની અંદર દર્દીઓને એક બેડ પણ મળી શકે નહીં તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી ત્યારે રાજ્ય સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી દીધું પરંતુ આજે મંગળવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM RUPANI) અધ્યક્ષતામાં મળેલી ખાસ બેઠકમાં ધોરણ 12ની બોર્ડ પરીક્ષા (Gujarat 12th Board Exam) બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેને અંતે હવે રાજ્ય સરકારે 1 જુલાઈના રોજ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચોઃ ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા શરૂ, 34 કેન્દ્રો પર 23,000થી વધુ વિદ્યાર્થી આપી રહ્યાં છે પરીક્ષા
6.83 લાખ વિધાર્થીઓ આપશે પરીક્ષા
રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ (Bhupendrasinh chudasama) આજે મંગળવારે પત્રકાર પરિષદ સંબોધી અને ધોરણ-12ની પરીક્ષા લેવાનું જાહેરાત કરી હતી ત્યારે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.40 લાખ વિધાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે. જ્યારે સમાન્યપ્રવાહમાં 5.43 લાખ વિધાર્થીઓ નોંધાયા છે. આમ રાજ્યમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં કુલ 6.83 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે જે 1 જુલાઈથી શરૂ કરવામાં આવશે.
કઈ રીતે યોજાશે પરીક્ષા
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા બાબતે જણાવ્યું હતું કે દર વર્ષની પ્રણાલી મુજબ વિજ્ઞાન પ્રવાહમાં ભાગ-1માં 50 ગુણની બહુ વિકલ્પ (MCQ) અને ભાગ-2માં સ્વરૂપની 50 ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજવામાં આવશે. જ્યારે સામાન્યપ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલી મુજબ 100 માર્ક્સની વર્ણાત્મક પરીક્ષા યોજાશે. આમ રાજ્ય સરકારે પરીક્ષાની પેટર્નમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર કર્યો નથી. પહેલાં જેમ પરીક્ષા યોજવામાં આવતી હતી તે જ પદ્ધતિ મુજબ આ વર્ષે પણ કોરોનાની મહામારી દરમિયાન પણ તે જ પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવશે.
એક વર્ગમાં ફક્ત 20 જ વિધાર્થીઓ રહેશે હાજર
કોનાથી વૈશ્વિક મહામારીમાં સામાજિક અંતર જરૂરી છે ત્યારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં એક વર્ગમાં ફક્ત 20 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટેનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આમ વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને ધ્યાનમાં લઈને એક વર્ગખંડમાં વધુમાં વધુ 20 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકશે. આ સાથે જ પરીક્ષા દરમિયાન માસ્ક (FACE MASK) અને સેનિટાઈઝર પણ ફરજિયાત રાખવામાં આવ્યું છે.
કોરોના સંક્રમિત વિદ્યાર્થી 25 દિવસ પછી પરીક્ષા આપી શકશે
રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં દ્વારા 1 જુલાઈના રોજ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે પરીક્ષાના સમય દરમિયાન કોઈપણ વિદ્યાર્થી પોઝિટિવ આવે તો તેમને બીજા વિકલ્પ તરીકે 25 દિવસ બાદ પરીક્ષા આપવાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા અને રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
જે તાલુકામાં પરીક્ષા કેન્દ્રો નહિ હોય તો પરીક્ષા કેન્દ્રો શરૂ થશે
મહત્વની વાત કરવામાં આવે તો એક વર્ગમાં 20 જેટલા જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે વધુ વર્ગખંડની પણ જરૂર પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, રાજ્યના જે તાલુકાઓમાં પરીક્ષા કેન્દ્ર નથી તેવી જગ્યા ઉપર પણ પરીક્ષા કેન્દ્રો શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત પણ રાજ્ય સરકાર (Gujarat government) દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ધોરણ 12 CBSE પરિણામ: વાપીની સ્વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમ મેળવ્યો
ધોરણ 10ના રિપીટર વિધાર્થીઓ માટે પણ 2 તબક્કામાં યોજવામાં આવશે પરીક્ષા
ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પરંતુ રીપીટર વિદ્યાર્થીઓ માટે આજે શનિવારે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી કે જે રીતની ધોરણ 12ની બે તબક્કામાં પરીક્ષા યોજવાની તૈયારીઓ રાજ્ય સરકારે કરી છે. તેવી જ રીતે ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓ માટે પણ બે તબક્કામાં પરીક્ષા યોજવામાં આવશે.