- રાજ્યમાં પેપર લીક બાબતે ગૌણ સેવા મંડળનો ખુલાસો
- પોલીસની અલગ અલગ 16 ટીમો કાર્યરત
- 10 જેટલા લોકોને શંકાની આધારે કરી અટકાયત
ગાંધીનગર: ગુજરાતમાં 12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્કની પરીક્ષા (GSSSB head clerk exam 2021)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 88 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષાની શરૂઆત પહેલાં જ પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ (GSSSB Paper Leak 2021) થયા હોવાના આક્ષેપ સાથે યુવા ઉમેદવાર અને આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાએ ફરિયાદ કરી હતી, જ્યારે આ મુદ્દે આજે રાજ્યકક્ષાના પ્રધાન હર્ષ સંઘવી સાથેની બેઠક બાદ ગુજરાત ગૌણ પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, હજી સુધી અમને કોઈ પણ પ્રકારની લેખિત ફરિયાદ પ્રાપ્ત થઈ નથી.
પ્રશ્નપત્ર લીક થયું કે નહીં તે બાબતે પોલીસ તપાસ શરૂ
અસિત વોરાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રશ્નપત્ર લીક થયું છે કે નહીં તે બાબતે હજી સુધી અમને કોઈ પણ પ્રકારના દાવ પ્રાપ્ત થયા નથી, પરંતુ પોલીસની અલગ અલગ 16 ટીમ આ બાબતે તપાસ કરી રહી છે અને જો કોઈ પણ પ્રકારના પુરાવાઓ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ પણ પ્રકારનો પુરાવો નહીં મળે તો ભવિષ્યમાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવાનો વોરાએ આડકતરી રીતે ઇશારો કર્યો હતો.
આન્સર કી લોક કરાઈ
ગુજરાત ગૌણ પસંદગી સેવા દ્વારા હજી સુધી સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે, પેપર લીક થયું છે કે નથી તેમ છતાં પણ પસંદગી સેવા મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાની આન્સર કી લોક કરી દેવામાં આવી છે, આ સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ આન્સર કી જાહેર કરવામાં આવશે (Answer-key release after investigation). આમ એક બાજુ કોઈ ફરીયાદ પ્રાપ્ત નહિ થઈ હોવાનું નિવેદન અસિત વોરા આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ પત્રકાર પરિષદ દરમિયાન અસિત વોરાએ આન્સર કી લોક કરવાની જાહેરાત પણ કરી હતી.
પોલીસની 16 અલગ અલગ ટિમ કાર્યરત
આશિત વોરાએ વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે રાજ્ય કક્ષાના પ્રધાન સાથે બેઠક થયા બાદ સંપૂર્ણપણે 16 અલગ-અલગ પોલીસની ટીમ (Police team in gsssb paper leak) કાર્યરત કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર, ભાવનગર, સાબરકાંઠા, હિંમતનગર જેવા તમામ વિસ્તારોમાં અને અલગ અલગ જિલ્લાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 7થી વધુ લોકોની શંકાને આધારે અટકાયત પણ કરવામાં આવી છે.
હવે પરિણામ મોડું
જે રીતે પેપર લીક કાંડ સામે આવ્યો છે, તેને ધ્યાનમાં લઈએ તો જો કોઈ પણ પ્રકારનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું ન હોય તો, સંપૂર્ણ તપાસ થયા બાદ જ આન્સર કી જાહેર કરવામાં આવશે, ત્યાર બાદ પરિણામ જાહેર કરવામાં આવશે આમ પોલીસ દ્વારા અત્યારે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ ક્યારે પૂર્ણ થશે તે હજુ સ્પષ્ટ કહી શકાય તેમ નથી, ત્યારે આ સમગ્ર મામલો પૂર્ણ થશે ત્યારબાદ જ પરિણામ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: Exam Paper Leak In Gujarat: ગૌણ સેવા હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે અસિત વોરા કરશે મહત્વની જાહેરાત