ગાંધીનગરઃ વર્તમાન પરિસ્થિતિમાં કોરોના દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો જાય છે. કોવિડ હોસ્પિટલોમાં સતત કોરોનાના દર્દી સાથે ફરજ બજાવતાં હોસ્પિટલના સ્ટાફને પણ કોવિડ સંક્રમણનું જોખમ રહેલું છે. કોરોના વોરિયર્સ તરીકે રાતદિવસ ખંતથી કાર્ય કરતાં તમામ સ્ટાફને પોતાની ફરજો બજાવવા પ્રોત્સાહન મળી રહે અને ઉત્સાહ જળવાઇ રહે તે માટે જે સરકારી હોસ્પિટલમાં 100 બેડ હોય ત્યાં 5 બેડ અને જ્યાં 100 કરતાં વધુ બેડ હોય ત્યાં 10 બેડ ડોક્ટરો તથા હેલ્થકેર વર્કર સરકારી અને ખાનગી માટે રીઝર્વ રાખવાના રહેશે.
જો આરોગ્ય કર્મચારીઓ દાખલ ન હોવાથી બેડ ખાલી હોય તો સામાન્ય દર્દીને બેડ ફાળવી શકાશે. પરંતુ હેલ્થવર્ક અને ડોકટરો માટે અગ્રીમતાના ધોરણે બેડ ફાળવવા સરકારે જણાવ્યું છે. અત્યાર સુધી આ સુવિધા ન હોવાના કારણે ડોકટર, નર્સીસ કે કોઇપણ હેલ્થકર્મીને કોરોના પોઝિટિવ આવે તો તેમને પણ હોસ્પિટલોના ધક્કા ખાવા પડતાં હતાં. જેથી સારવાર મળવામાં વિલંબ થઈ રહ્યો હતો. હવે આ સગવડ મળવાથી આરોગ્યક્રમીઓ કે જેઓ સતત લાંબા સમયથી કોરોના દર્દીઓની સેવા કરી રહ્યાં છે તેમનું મનોબળ વધુ મજબૂત થશે અને તેમને માટે પણ સારવાર ઝડપથી ઉપલબ્ધ બનશે તેવું આશ્વાસન રહેશે.