- અમદાવાદની વકરતી પરિસ્થિતિને લઈને સચિવાલયમાં બેઠક
- પેશન્ટ હોસ્પિટલ સુધી પહોંચે તેમને દાખલ કરવાના રહેશે
- આ પહેલા 108 સિવાય કોરોના પેશન્ટને દાખલ કરાતા નહોતા
ગાંધીનગર: અમદાવાદ શહેરમાં સાંપ્રત પરિસ્થિતિમાં દર્દીઓને ઝડપથી સારી સારવાર મળી રહે તે માટે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે સંકલન કરી વ્યવસ્થાઓ વધુ સુદૃઢ બનાવવા સચિવાલય ખાતે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં, કોવિડ હોસ્પિટલ્સમાં દાખલ થતી વખતે 108 સેવા મારફતે દાખલ થવાની જે જરુરિયાત હતી તે પાછી ખેંચી લેવામાં આવી છે. દર્દીઓને તેઓ કોઈ પણ રીતે હોસ્પિટલ સુધી પહોંચે તેમને દાખલ કરવાના રહેશે. કૃષિપ્રધાન અને કોવિડ જિલ્લા પ્રભારીમંત્રી આર. સી. ફળદૂ, રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વગેરે હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: રાજ્યમાં માર્ચ બાદ ઓક્સિજનની જરૂરિયાતમાં 70 ટકા જેટલો વધારો નોંધાયોઃ પ્રદીપસિંહ જાડેજા
કોઈ પણ કોવિડ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી શકાશે
પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતું કે, કોવિડ હોસ્પિટલ્સમાં દાખલ થતી વખતે 108 સેવા મારફતે દાખલ થવાની જરુરિયાતોને પાછી ખેંચી લેવામાં આવી છે. જેમાં, ખાનગી હોસ્પિટલ્સ, AMC હોસ્પિટલ્સ, ડેઝીગ્નેટેડ કરવામાં આવેલ હોય કે ના હોય તેવી હોસ્પિટલ્સ અને AMCની હદ્દમાં આવતી તમામ સરકારી હોસ્પિટલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી, 29 એપ્રિલ સવારે 8 વાગ્યાથી કોઈ પણ દર્દી 108 સેવા, ખાનગી એબ્યુલન્સ, ખાનગી વાહન કે પછી ચાલતા પણ કોવિડ હોસ્પિટલ પહોંચી શકશે અને બેડની ઉપલબ્ધતાના આધારે દર્દીને દાખલ કરવાની જરૂરિયાત મુજબ તેને દાખલ કરવાના રહેશે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલની જાહેરાત કરાઈ, 5 દિવસ બાદ પણ હજૂ સુધી ઓર્ડર જ નથી મળ્યો
કોર્પોરેશન દ્વારા અપાતી ધન્વંતરી સહિતની સેવાઓનો સહયોગ લેવાશે
અમદાવાદ શહેરમાં કોરોનાની સાંપ્રત પરિસ્થિતિમાં દર્દીઓને સહાયરૂપ થવા તેમજ વકરતી પરિસ્થિતિને કાબૂમાં લેવાના હેતુસર આ બેઠક યોજવામાં આવી હતી. ગૃહપ્રધાને ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરમાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે વધુ સંકલન કરીને અમદાવાદ કોર્પોરેશન દ્વારા અપાતી ધન્વંતરી, સંજીવની રથ, 104 સેવાઓના કર્મચારીઓનો વધુને વધુ સહયોગ લેવાશે.