રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ યોજના હેઠળ રાજ્યની મુલાકાતે આવતા પ્રતિ વરિષ્ઠ બિન-નિવાસી ગુજરાતી માટે 10 હજાર સુધીનો સરભરા ખર્ચ રાજ્ય સરકારે આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ગાંધીનગર - બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા અન્ય રાજ્યોમાં ગુજરાતી સમાજના ભવનો ખરીદવા - વિસ્તરણ - બાંધકામના હેતુ માટે અપાતી સહાય રૂા. ૨૨ લાખથી વધારી રૂા. ૪૦ લાખ કરાઇ, મરામત - સમારકામ કે નવિનીકરણ માટે અપાતી રકમ પણ રૂા. ૬ લાખથી વધારી રૂા. ૧૦ લાખ કરવામાં આવી છે. વધુમાં આ કાર્યક્રમ માટે પ્રતિ વર્ષ મહત્તમ સંખ્યા 150ની નક્કી કરવામાં આવી છે. જેમાં લીડર સહિત મહત્તમ 25-25 ના 6 ગૃપ રહેશે. આ માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષના અંદાજપત્રમાં 15 લાખની જોગવાઇ પણ કરી છે. તેમ બિન-નિવાસી ગુજરાતી પ્રભાસપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2019-20થી બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા અન્ય રાજ્યોમાં વસતા 60 થી 70 વર્ષની આયુ ધરાવતા વરિષ્ઠ નાગરિકો ગુજરાતની મુલાકાતે આવી શકે તે માટે ‘ગુજરાત દર્શન યોજના’ અમલી બનાવી છે. આ યોજના હેઠળ નિયત આયુ ધરાવતા બિન-નિવાસી ગુજરાતીઓ ગુજરાતમાં 6 દિવસ અને 7 રાત્રિ રોકાણ કરી શકશે. આ દિવસો દરમ્યાન તેમનો રહેવા-જમવાનો વિવિધ સ્થળોની મુલાકાત સહિતનો પ્રતિ વ્યક્તિ 10 હજાર સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
આ યોજના અંતર્ગત અન્ય રાજ્યોમાંથી ગુજરાતની મુલાકાતે આવતા વરિષ્ઠ બિન-નિવાસી ગુજરાતીઓની તમામ સુવિધા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. અન્ય રાજ્યમાંથી અમદાવાદ સુધી આવવા અને જવા માટેનો ખર્ચ જે-તે વ્યક્તિ અથવા ગૃપે આપવાનો રહેશે. છેલ્લા પાંચ વર્ષથી રાજ્યની મુલાકાતે આવેલા ન હોય તેવા વરિષ્ઠ નાગરિકોને અગ્રતા આપવામાં આવશે.
આ નવિન યોજના અંતર્ગત ગુજરાતમાં સોમનાથ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, બેટ દ્વારકા, સારંગપુર, અંબાજી, સૂર્ય મંદિર - મોઢેરા, અડાલજની વાવ - ગાંધીનગર, લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા, સાબરમતી આશ્રમ- અમદાવાદ, ઇન્ડો પાર્ક બોર્ડર - સૂઇગામ (નડાબેટ) તેમજ વિશ્વ પ્રસિધ્ધ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જેવા વિવિધ સ્થળોની મુલાકાત લઇ શકાશે.