ગાંધીનગર : જમીનને લઈને એક મહત્વનો નિર્ણય ટૂંક સમયમાં રાજ્ય સરકાર (Govt Maldhari Land) દ્વારા કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ ભારત દેશ આઝાદ થયો હતો. તે સમય પહેલાથી જ અથવા તો આઝાદ થયાના અમુક ગણતરીના વર્ષો પછી જે જમીનો માલધારી સમાજને અને જે પશુપાલન સાથે સંકળાયેલા લોકોને ગામતળની સિવાય જે સીમતળના વાડાની જમીન આપવામાં આવી હતી. તે જમીન હવે રાજ્ય સરકાર (Govt Maldhari Land Decision) માલધારીઓના નામે કરવા જઈ રહી છે.
શુ કરવામાં આવશે નિર્ણય - રાજ્ય સરકારના નિર્ણયની વાત કરવામાં આવે તો વર્ષ 1968માં જે જમીનો હતી અને તે જમીનો 1968 પહેલા મામલતદાર કચેરીમાં નોંધાયેલા હોય તેવી જ જમીન માલિકોને જમીનનો હક આપવામાં આવશે. જો અમુક એવા કિસ્સા કે જેમાં મૂળ જમીન માલિકનો અવસાન થયું હોય તો પેઢીનામું રજૂ કરીને પણ રાજ્ય સરકાર જે તે માલિકને સીમતળની જમીન આપશે. જ્યારે આ માટે જે-તે માલિકે સીમતળ વાડાની જમીન (Boundary Fence Land) નિયમબદ્ધ કરવા માટે આ નમૂના મુજબની અરજી કરવાની રહેશે.
વાડાઓ કોને પ્રાપ્ત થતા હતા - રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પહેલા મામલતદાર અને ગ્રામ પંચાયતો દ્વારા પશુપાલકોને (Maldhari Community) અને માલધારીઓને વાડાઓ માટે જમીન આપવામાં આવતી હતી. તેમાં જો કોઈ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા માલધારીના ઢાકર વધારે પ્રમાણમાં હોય તો લોકોને તકલીફ ન પડે અને પશુઓને સારી રીતે રાખી શકાય તે માટે રાજ્ય સરકાર અને ગ્રામ પંચાયત તેમજ મામલતદાર ગામની બહાર જમીનની ફાળવણી કરતા હતા. આવી જમીનો કે જે 1968 પહેલા સરકારમાં મામલતદારમાં ગ્રામ પંચાયતમાં નોંધાયેલી હોય તેવી જ જમીનના હક્ક રાજ્ય સરકાર હવે આપવા જઈ રહી છે.
કેવી રીતે સીમતળના વાડાઓ થશે નામે ? - રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત બાદ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સીમતળની વાડાની જમીન ધારણ કરનાર જે અરજી (Application for Maldhari Land) કરે તેની પ્રાથમિક તપાસ તલાટી મંત્રી દ્વારા કરવામાં આવશે. સર્કલ ઓફિસર દ્વારા સ્થળ કરાઈ પંચનામું તેમજ આધાર પુરાવા અને મહેસૂલી રેકોર્ડથી ખરાઇ કરીને જ આગળની કાર્યવાહી મામલતદાર કરશે. અરજી મળ્યા તારીખથી 60 દિવસની અંદરની કિંમત મામલતદારે નક્કી કરી બધાને જણાવવાની રહેશે. અરજદાર એક કબજા કિંમત કરવાની ખબર મળ્યાની તારીખથી 15 દિવસમાં રકમ ભરવી પડશે. તેમજ જો કબજેદાર રકમની ભરપાઈ નહીં કરે તો તે જમીન હક પ્રાપ્ત થશે નહીં, ત્યારબાદ તેને ફરીથી પહેલા થતી પ્રક્રિયા કરવાની રહેશે. આ ઉપરાંત જો વાડા રજીસ્ટર મળી ન આવતા હોય, ત્યારે વાડાના નિયમબદ્ધ કરવા જો મુશ્કેલી જણાય તો જે તે જિલ્લા કલેકટર દ્વારા યોગ્ય હુકમો કર્યા બાદ ચોક્કસ દરખાસ્ત સરકારમાં કરવાની રહેશે.
પ્રતિ ચોરસ મીટરનો ભાવ લાગુ કરવામાં આવશે - ભૂતકાળની વાત કરવામાં આવે તો, અગાઉ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુ પટેલ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં ફક્ત સીમતળની જમીનો નામે કરવામાં આવી હતી. પરંતુ, ભારત દેશ આઝાદ થયો ત્યાર બાદ પ્રથમવાર રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગામતળની જમીન માલધારી અને પશુપાલકો નામે કરવામાં આવશે. વર્ષ 2017માં રજુ કરેલ નોટિફિકેશનમાં ગામતળના વાડાની ખુલ્લી જમીનનો સંપૂર્ણ કબજા ભોગવટા હક માટે કબજા કિંમત રૂપિયા 50 પ્રતિ ચોરસ મીટર વસૂલ કરવાની જાહેરાત કરી હતી. હવે હા કિંમતમાં વધારો થઇ શકે છે. આમ, રાજ્ય સરકાર પ્રતિ ચોરસ મીટરનો ભાવ જાહેર કરીને જે તે કિંમત ભરીને સીમતળના વાડા નામે કરી શકાશે.
કેટલી જમીનના હક્ક આપવામાં આવશે - રાજ્યના મહેસૂલ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ પહેલાં રાજ્ય સરકારે વર્ષ 2017માં વાડાના ક્ષેત્રફળ બાબતની સ્પષ્ટતા કરી હતી. જેમાં વર્ષ 1968માં ગામમાં આવેલા અને મામલતદારે અધિકૃત કરેલા વાળા રજીસ્ટરમાં નોંધાયેલા વાળાનું ક્ષેત્રફળ ધ્યાનમાં લેવાનું રહેશે. મહત્તમ 200 ચોરસ મીટરની મર્યાદામા વાડા નિયમબદ્ધ થઈ શકશે, જો વાડાનું ક્ષેત્રફળ મર્યાદા ઉપરાંત હશે તો પ્રવર્તમાન મહેસુલ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે વાડા રજીસ્ટરે નોંધાયેલા ક્ષેત્રફળ મુજબની જમીનનો ઉપયોગ માન્ય ગણવાથી પણ જો જાહેર માર્ગ અવરજવર રસ્તો કે પછી લોકોને અવરજવરના હકને બાધારૂપ જણાતું હોય તો કબજો મેળવવા રજૂ કરેલા દાવાની જમીનનું ક્ષેત્રફળ ઘટાડીને હુકમ કરવાનો રહેશે. આ નિયમ પણ સીમતળની જમીનમાં લાગુ થાય તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો : માલધારીઓને ખેડૂતોની વ્યાખ્યામાં શામેલ કરવામાં આવે: કોંગ્રેસ ધારાસભ્ય
અગાઉ સીમતળ ના વાડાઓ માટે થયો છે નિર્ણય - ભૂતકાળની વાત કરવામાં આવે તો અગાઉ રાજ્ય સરકારમાં જ્યારે મુખ્યપ્રધાન તરીકે કેશુ પટેલ હતા. જે સીમતળના વાડા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વર્ષ 2000 એક અથવા તો વર્ષ 2002ની સાલમાં આ નિર્ણય કર્યો હતો. હવે સીએમ ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા સીમતળ વાડાઓ માટેનો પ્રથમ વખત નિર્ણય કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ભારત દેશ આઝાદ થયો અને ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય અલગ થયા ત્યારબાદ પ્રથમ વખત આ નિર્ણય થઈ રહ્યો છે.
શુ કહ્યું માલધારી સેલે - રાજ્યમાં છેલ્લા 50 વર્ષથી વધુ જૂના સમયથી સીમતળના વાડાની જમીનનો ઈસ્યુ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવતો હતો, ત્યારે આ બાબતે ભાજપના માલધારી સેલના (Govt Maldhari Land for Sale) પ્રમુખ સંજય દેસાઈએ જણાવ્યું હતું કે, પચાસ વર્ષથી વધુના સમયગાળાનો આ પ્રશ્ન છે જે હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આનો ઉકેલ આવશે. જ્યારે સમગ્ર ગુજરાતમાં 70 લાખ લોકો એવા છે જે પશુપાલન પર આધારિત છે આવા તમામ લોકોને લાભ મળશે. જ્યારે મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે. તેમજ માલધારી સમાજ રાજ્યની 182 જેટલી બેઠકમાંથી 40થી વધુ બેઠકો પર અસર કરે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા માલધારીના મત મેળવવા માટે પણ આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે.