- સીએમ વિજય રૂપાણીના સામાન્ય વહીવટ વિભાગે માળખુ મંજૂર કર્યું
- સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગર્વનન્સ ઓથોરિટી માટે વિવિધ સંવર્ગના કર્મયોગીઓનું મહેકમ માળખું મંજૂર
- તાંત્રિક-ટેક્નિકલ કામગીરી માટે બે અધિક્ષક ઇજનેર સહિત 112 જગ્યાઓ
ગાંધીનગરઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થવામાં વધુ વેગ આપવા સુનિશ્ચિત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વ્યવસ્થાપન સંચાલન માટે 313 અધિકારી-કર્મચારીઓનું મુકવામાં આવશે. જેમાં ફોરેસ્ટ અધિકારીઓના મહેકમ પણ મંજુર કરવામાં આવ્યા છે. વહીવટી કામગીરી માટે 1 CEO સહિત 201 જગ્યાઓ ફાળવવામાં આવી છે. જંગલ સફારી દેખરેખ માટેના સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્ક સોસાયટી અને વેલી ઓફ ફ્લાવર્સ સોસાયટી બંને સોસાયટી અને બે આઇ એફ એસ અધિકારીઓ સાથેનું મહેકમ મંજુર કરવામાં આવ્યું છે.
કેટલી સંખ્યામાં હશે અધિકારીઓ અને કર્મચારીઓ
વિરાટ સરદારની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વિવિધ પ્રોજેકટસના સરળ અમલીકરણ, સંચાલન, જાળવણી માટે 313 જેટલા અધિકારીઓ-કર્મચારીઓનું માનવબળ કાર્યરત થશે. આ હેતુસર આપેલા દિશા-નિર્દેશોને પગલે સામાન્ય વહીવટ વિભાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગર્વનન્સ ઓથોરિટી (કેવડીયા ઓથોરિટી) હેઠળ વિવિધ સંવર્ગનું આ મહેકમ મંજૂર કર્યું છે.
ક્યાં ક્યાં કામો પર રાખવામાં આવશે ધ્યાન
ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા ઠરાવમાં જણાવ્યા મુજબ કેવડીયા અથોરીટી કાર્ય ક્ષેત્ર અંતર્ગત મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી, ચિલ્ડ્રન-ન્યુટ્રિશન પાર્ક, મીરર મેઝ, વેલી ઓફ ફલાવર્સ, વિશ્વ વન, કેકટસ્ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન, આરોગ્ય વન, એકતા નર્સરી, ડાઈનોટ્રેઈલ, એકતા મોલ, એકતા ફુડકોર્ટ, એકતા દ્વાર, એકતા ઓડિટોરિયમ, ખલવાણી ઈકો ટુરિઝમ, ઝરવાણી ઈકો ટુરિઝમ, ડેકોરેટિવ લાઈટીંગ, યુનિટી ગ્લો ગાર્ડન, ગરૂડેશ્વર વીયર, ગોરા બ્રીજ, નેવિગેશન ચેનલ, બે જેટ્ટી, એકતા ક્રુઝ, નૌકા વિહાર, રિવર રાફટીંગ, સાઈકલિંગ, હોમ સ્ટે, શ્રેષ્ઠ ભારત ભવન, સરદાર સરોવર રિસોર્ટ, બીઆરજી બજેટ એકોમોડેશન, ટેન્ટ સિટી-1 અને ટેન્ટ સિટી-2 જેવી આવાસ સુવિધાઓનું વ્યવસ્થાપન તથા સોલાર પાવર પ્રોજેકટ, વિવિધ આનુસાંગિક માળખાકીય સુવિધાઓ તથા નાગરિક સુવિધાઓ, ટિકીટીંગ, યુનિટી સ્માર્ટ કાર્ડ, ફ્રી વાઈ-ફાઈ સેવા, વેબસાઈટ, મોબાઈલ એપ જેવી ટેકનોલોજી આધારિત સેવાઓ વગેરે જેવા વિવિધ પ્રવાસન આકર્ષણો માટેના પ્રોજેકટના ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, રસ્તાઓ, પાર્કીગ, લાઈટ તેમજ લગભગ 25 ચો.કિ.મી. ક્ષેત્રફળનો વ્યાપ ધરાવતા વિશાળ વિસ્તારમાં કરવામાં આવેલા ડેકોરેટિવ લાઈટીંગ વગેરેના ઓપરેશન અને મેન્ટેનન્સ તેમજ હવે પછી જરૂરિયાત મુજબની વધારાની કામગીરી હાથ ધરવાની બાબતનો સમાવેશ થશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નવું વહીવટી માળખું
આ સમગ્ર કામગીરીના સરળ સંચાલન, વ્યવસ્થાપન અને નિભાવણી માટે જરૂરી એવું તાંત્રિક-ટેક્નિકલ અને વહીવટી-એડમિનીસ્ટ્રેટીવ માળખું મંજૂર કરાયું છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસરની વિવિધ ગતિવિધિઓ વિશ્વભરના પ્રવાસીઓનું આકર્ષણ બને તે દિશામાં સર્વગ્રાહી આયોજનબદ્ધ પ્રયાસો વેગવંતા બનાવવામાં આવ્યા છે. તે અનુસાર સામાન્ય વહીવટ વિભાગે આ વિવિધ પ્રોજેકટસ માટેના ટેક્નિકલ-તાંત્રિક કામગીરીઓના સંચાલન, વ્યવસ્થાપન હેતુથી બે વર્તુળ કચેરીઓ બે અધિક્ષક ઇજનેરના દેખરેખમાં ઊભી કરી છે.
ક્યાં કામો સાંભળવામાં આવશે?
પ્રથમ વર્તુળ કચેરી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંચાલન અને જાળવણીની કામગીરી અન્વયે સ્ટેચ્યુ ઓફ યુનિટી, શ્રેષ્ઠ ભારત ભવન, ગોરા બ્રીજ નેવીગેશન ચેનલ, બન્ને જેટ્ટી (શ્રેષ્ઠ ભારત ભવન તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલી) અને મેન્ટેનન્સની કામગીરી તથા જુદી જુદી જગ્યાએ સ્લોપ પ્રોટેક્શન માટે કરવામાં આવેલી કામગીરી સંભાળશે. બીજી સર્કલ (વર્તુળ) કચેરી અન્ય તમામ પ્રોજેકટની ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી સંભાળશે. આ બન્ને કચેરીઓમાં બે અધિક્ષક ઇજનેર સહિત 4, કાર્યપાલક ઇજનર (સિવિલ) 1 , કાર્યપાલક ઇજનેર (ઇલેકટ્રીકલ) સહિત 112 વ્યક્તિઓ કામકાજ સંભાળવાના છે.
સરદાર સરોવર નિગમના કર્મચારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના નિયંત્રણમાં
સરદાર સરોવર નર્મદા નિગમના વર્તમાન માળખામાંથી વિવિધ સંવર્ગના 61 જેટલા કર્મીઓ તેમની આનુષાંગિક કચેરી સુવિધા સાથે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગર્વનન્સ ઓથોરિટીના નિયંત્રણમાં તબદીલ કરવામાં આવ્યા છે. અન્ય 51 જગ્યાઓ વિવિધ વિભાગોમાંથી ફેરવીને આ ઓથોરિટી હેઠળ ફાળવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના સમગ્ર વિસ્તારના સતત થઇ રહેલા વિકાસ તથા નજીકના ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા ઉપરાંત વહીવટી, હિસાબી, કાયદો વ્યવસ્થા, મહેસૂલી, તબીબી, ટાઉન પ્લાનિંગ, અગ્નિશમન-ફાયર ફાઇટીંગ-સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સેનિટેશન જેવી તમામ બાબતોની વહીવટી કામગીરી માટે 201 જગ્યાઓનું મહેકમ મંજુર કરવામાં આવ્યું છે. આ વહીવટી માળખામાં એક CEO ઉપરાંત બે અધિક કલેકટર સહિતના મહેસુલી, આરોગ્ય, પ્રવાસન, અગ્નિશમન, ટાઉન પ્લાનીંગ વગેરે વિભાગોના અધિકારી-કર્મયોગીઓનો સમાવેશ કરાયો છે.
વન વિભાગના કર્મચારીઓને કેવડીયામાં સમાવેશ કરાશે
તેવી જ રીતે કેવડીયા ખાતે વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલા વિવિધ પ્રવાસન આકર્ષણ પ્રોજેક્ટ્સના સંચાલન અને મેન્ટેનન્સ તેમજ વધુ વિકાસ માટે વન વિભાગ હેઠળ જંગલ સફારી પાર્ક, વેલી ઓફ ફલાવર્સ, કેકટસ્ ગાર્ડન વગેરેમાં જરૂરી અધિકારીઓ/કર્મચારીઓનું આઉટસોર્સિંગ સાથેનું જરૂરી મહેકમ પણ ઓથોરિટીને તબદીલ કરવાનું પણ ઠરાવાયું છે. ઝુઓલોજીકલ પાર્કના નિયામક આઇ એફ એસ અધિકારી અને કેવડીયાના નાયબ વનસંરક્ષકને પણ આ ઓથોરિટી હેઠળ ફાળવવામાં આવ્યા છે.
સામાન્ય વહીવટ વિભાગે એવું પણ સૂચિત કર્યુ છે કે, કેવડીયા ખાતે જંગલ સફારીની દેખરેખ માટે સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્ક સોસાયટી અને વેલી ઓફ ફલાવર્સ સોસાયટીને પણ ઓથોરિટી હેઠળ તબદીલ કરવામાં આવશે.
સરકારે 50 કરોડની જોગવાઈ કરી
રાજ્ય સરકારે આ બધી જ થયેલી કામગીરીઓના સંકલન માટે ઓથોરિટીમાં નાણાકીય સવલતો ઊભી કરવા 2020-21 ના બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ તરીકે રૂપિયા 50 કરોડની જોગવાઇ કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલી આ જગ્યાઓ રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાંથી પ્રતિનિયુક્તિના ધોરણે ભરવાની રહેશે અથવા સેવાઓ-મેનપાવર આઉટર્સોસથી મેળવવાના રહેશે. અહીં એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગર્વનન્સ ઓથોરિટીની (કેવડીયા ઓથોરિટી) રચના અંગેનો કાયદો ગત્ત 1 ફેબ્રુઆરી-2020થી અમલમાં આવેલો છે.