- ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ
- મુખ્યપ્રધાન અને કોંગ્રેસે ચૂંટણી પંચને લખ્યો હતો લેટર
- કોરોના સંક્રમણને કારણે લેવાયો નિર્ણય
ગાંધીનગર : મનપાની ચૂંટણી આખરે મોકૂફ રાખવાનો નિર્ણય ચૂંટણીપંચ દ્વારા શનિવારની મોડી સાંજે લેવામાં આવ્યો હતો. જેનું મુખ્ય કારણ કોરોના છે. કોરોનાના કારણે છેલ્લા ત્રેવીસ દિવસમાં 1,100 કેસ સામે આવ્યા છે. આ સાથે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ પણ કોરોનાના કારણે થયા છે. જે જોતા લોકોમાં પણ ચૂંટણીને લઈને રોષ જોવા મળ્યો હતો. આખરે મુખ્યપ્રધાને પણ ચૂંટણીપંચને ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા માટે પત્ર લખ્યો હતો. જેથી ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. જો કે, ચૂંટણી મોકૂફ રહે તે માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ ચૂંટણીપંચને પત્ર લખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - કોરોનાના કેસ વધતા મુખ્યપ્રધાને ગાંધીનગરની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણીપંચને પત્ર લખ્યો
જ્યાં સુધી સ્થિતિ કોરોનાની કાબૂમાં નહીં આવે ત્યાં સુધી ચૂંટણીની તારીખો જાહેર નહીં થાય
હાલ પૂરતી ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. જો કે, તારીખ હજૂ સુધી ડિક્લેર એટલા માટે નથી કરાઈ કેમ કે, કોરોના દિવસેને દિવસે બેકાબૂ બની રહ્યો છે. જ્યાં સુધી સ્થિતિ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી નવી તારીખ ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં નહીં આવે. તમામ પાર્ટીઓના ઉમેદવારોએ ચૂંટણીને લઈને તૈયારી તો કરી દીધી હતી, પરંતુ ચૂંટણી આડે હજૂ પણ આઠ દિવસ બાકી હતા. જેથી ચૂંટણીમાં વધુ લોકો જોડાતા હોવાથી સંક્રમણનો ભય વધી જાય છે.
આ વખતની ચૂંટણીમાં ઓછા મતદાનનો ડર પણ મોટી પાર્ટીના નેતાઓને હતો
ગાંધીનગરમાં અત્યારની પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. સ્મશાનમાં કોરોનાગ્રસ્ત લોકોની ડેડ બોડી સતત આવી રહી છે. ક્યાંક વેઈટિંગમાં પણ બેસવું પડે, એ પ્રકારની સ્થિતિ છે. ખુદ ઉમેદવારો પણ કોરોના પોઝિટિવ આવી રહ્યા હતા. આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી હતી, ત્યારે લોકોમાં ચૂંટણીને લઈને બિલકુલ નિરસતા જોવા મળી રહી હતી. જેથી ચૂંટણીમાં અત્યાર સુધીનું ઓછું મતદાન થવાની પણ સંભાવનાઓ રહેલી હતી. જે વાતનો ડર મોટી પાર્ટીઓના નેતાઓને સતાવી રહ્યો હતો.
આ પણ વાંચો - ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી : 2 AAPના સહિત કુલ 8 ફોર્મ પરત ખેંચાયા
ચૂંટણી રદ્દ થઈ તેના આખરી દિવસ સુધી ઉમેદવારો અને કાર્યકરો પોઝિટિવ આવતા રહ્યા
ચૂંટણીના કામોમાં મોટી સંખ્યામાં તમામ પાર્ટીના કાર્યકર્તાઓ અધિકારીઓ સરકારી કચેરીના કર્મચારીઓ વગેરે જોડાતા હોય છે. જે હેતુથી સંક્રમણ બેકાબૂ બનવાની સંભાવના રહેલી હતી. તેનો ઉલ્લેખ ખુદ મુખ્યપ્રધાને પણ ચૂંટણીપંચની લખેલા લેટરમાં કર્યો હતો. જો ઉમેદવારની વાત કરવામાં આવે તો ખુદ ઉમેદવારો જ પ્રચાર કરતા પોઝિટિવ આવ્યા હતા. ભાજપના ચાર ઉમેદવારો તેમજ અન્ય આઠ જેટલા કાર્યકરો ચૂંટણી મોકૂફ રહી હતી. તેના અંતિમ દિવસે એટલે કે શનિવારે પોઝિટિવ આવ્યા હતા. આખરે ચૂંટણી મોકૂફ રહેતા અનેક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો - ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી : 44 બેઠકો માટે 233 ફોર્મ ભરાયા