- કોરોનાના કેસો ઘટતા કૉર્પોરેશનની ચૂંટણી યોજવા માટેનો માર્ગ મોકળો બન્યો
- અત્યારે કોરોના કેસો નહીં, પરંતુ રોગચાળો હોવાથી નવરાત્રી આસપાસ ચૂંટણી થશે
- ભાજપ, કૉંગ્રેસ અને આપ દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ
- કૉર્પોરેશનની ચૂંટણીમાં પહેલીવાર ત્રિપાંખિયો જંગ જામશે
ગાંધીનગર: કોરોનાના કેસો ગુજરાતમાં ઓછા થયા છે, ત્યારે ગાંધીનગરમાં પણ અત્યારે કોરોનાના રોજના ઝીરો કેસો આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજવા માટેનો માર્ગ મોકળો બન્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આ સપ્તાહમાં જાહેર થાય અને નવરાત્રી આસપાસ એટલે કે દશેરા પહેલા યોજાય તેવી શક્યતા છે, કેમકે નવેમ્બર માસમાં દિવાળી આવી રહી હોવાથી એ પહેલા ચૂંટણી યોજવી પણ જરૂરી છે. જો કે ચૂંટણીની તારીખો જાહેર થાય એ પહેલાં જ ઉમેદવારો આંતરિક મીટિંગ કરી રહ્યા છે. ભાજપ ફરીવાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીતની લહેર સાથે આગળ વધવા ઇચ્છુક છે, જ્યારે કૉંગ્રેસ જૂથવાદનો લાભ લેવા માટે તૈયારી કરી રહ્યું છે. તો આપ જન સંપર્ક અધિકારી દ્વારા વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ આ ચૂંટણી પહેલા અત્યારથી જ કરવામાં આવી રહ્યો છે.
આ વખતે પહેલીવાર ત્રિપાંખિયો જંગ જામશે
અત્યાર સુધી ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ આ બે પક્ષો વચ્ચે ચૂંટણી જંગ જામતો હતો, પરંતુ પહેલીવાર આપે પણ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે. જે જોતા ત્રિપાંખિયો જંગ ચૂંટણીમાં જોવા મળશે. ગાંધીનગર કૉર્પોરેશન મતવિસ્તારમાં કૉંગ્રેસ ભાજપને માત આપવામાં શરૂઆતની ચૂંટણીમાં સક્ષમ રહ્યું છે, પરંતુ સમય જતાં ભાજપે પણ ભગવો લહેરાવ્યો હતો. ભાજપ માટે કૉંગ્રેસ પડકાર રૂપ હતું ત્યારે હવે આપ પક્ષે પણ ઉમેદવારી નોંધાવી છે. સુરતની ચૂંટણીમાં કમાલ કરી ચૂકેલી આપ ગાંધીનગરમાં પણ એ દિશા તરફ આગળ વધી શકે છે, જેથી ત્રણેય પક્ષ દ્વારા લોકોને રીઝવવા માટેના પ્રયાસો 3 મહિના પહેલાથી જ થઈ રહ્યા છે.
ગાંધીનગરમાં કોરોનાના કેસ ઝીરો આવતા ચૂંટણી પંચ પણ સજ્જ બન્યું
ગાંધીનગરમાં એક સમયે કોરોના કેસો 100ની આસપાસ આવતા હતા. જો કે અત્યારે રાજ્યભરમાં 15થી 17 કોરોના કેસ આવી રહ્યા છે, જ્યારે ગાંધીનગરના સ્મશાનોમાં 50થી 70 લોકોના મૃતદેહ કોરોનાગ્રસ્તના લાવવામાં આવતા હતા, પરંતુ અત્યારે એક પણ પેશન્ટ સિવિલ હૉસ્પિટલ કે અન્ય કોઈ હૉસ્પિટલમાં એડમિટ નથી. કોરોનાના કેસ ઝીરો થતાં ચૂંટણીપંચ પણ સજ્જ બન્યુ છે. જેથી એક સપ્તાહમાં ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા છે. કોરોનામાં ચૂંટણી યોજવી જોખમરૂપ હોય છે, ત્યારે આગામી સમયમાં ત્રીજી લહેરની પણ શક્યતા રહેલી છે, જેને જોતા આ સમય ચૂંટણી યોજવા માટે ઉત્તમ હોવાથી ચૂંટણી પંચ દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે.
વધુ વાંચો: ગાંધીનગર કોર્પોરેશન ઇલેક્શન હવે ચોમાસા બાદ યોજાશે, ચૂંટણી આયોગે કરી જાહેરાત
વધુ વાંચો: રાજ્યમાં છેલ્લા 30 દિવસમાં 802 બાળકો કુપોષિત જન્મ્યા, સૌથી વધુ બનાસકાંઠામાં 239 બાળકો કુપોષિત