ગાંધીનગરઃ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ પાંચ નવા કેસ સામે આવ્યાં છે, જેના કારણે શહેરમા પોઝિટિવ કેસનો આંકડો 210 થયો છે. બેંક મેનેજર અને ગુજરાત મેરિટાઈમ બોર્ડના ક્લાર્ક કોરોનાગ્રસ્ત થયા છે. મંગળવારે નવા નોંધાયેલા દર્દીમાં ચાર પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.
નવા કેસમાં કલોલ ખાતે કબીર મોબાઈલમાં નોકરી કરતા અને સેક્ટર-29માં રહેતા 28 વર્ષીય પુરુષને કોરોના થયો છે. સેકટર-26 ગ્રીન સિટીમાં રહેતા અને હોટલનો વ્યવસાય ધરાવતા 61 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને પરિવારના પાંચ સભ્યોને કોરેન્ટાઈન કરાયા છે. તેમજ સેકટર-3એ ખાતે રહેતા અને ગુજરાત મેરિટાઈમ બોર્ડમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય મહિલા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમા દાખલ કરી પરિવારના ચાર સભ્યોને કોરેન્ટાઈન કરાયા છે.
સેકટર-8એ ખાતે રહેતા અને SBI બેંકમાં ફરજ બજાવતા 35 વર્ષીય પુરુષનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી, પરિવારના પાંચ સભ્યોને કોરેન્ટાઈન કરાયા છે.
પાટનગરમાં અત્યાર સુધીમાં કોરોનાના 210 દર્દી નોંધાયા છે, જેમાંથી 34 હાલ સારવાર હેઠળ છે, જ્યારે 169ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. તેમજ સારવાર દરમિયાન સાત વ્યક્તિના મૃત્યું પણ થયા છે. સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા 295 વ્યક્તિને કોરેન્ટાઈન કરાયા છે. જેમાંથી 161ને હોમ કોરેન્ટાઈન કરાયા છે અને 134ને સરકારી ફેસિલિટીમાં રખાયા છે.
ગાંધીનગર તાલુકામાં 4, દહેગામ શહેરમાં 1, માણસા તાલુકામાં 3 અને કલોલ તાલુકામાં 7 સહિત 15 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાય છે. જેમાં ગાંધીનગર તાલુકામાં વાવોલ ગામમાં 61 વર્ષીય પુરૂષ, છાલા ગામમાં 60 વર્ષીય પુરૂષ, સરઢવ ગામમાં 45 વર્ષીય પુરૂષ અને કોબા ગામમાં 26 વર્ષીય સ્ત્રીને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. દહેગામ શહેરમાં 52 વર્ષીય મહિલા અને માણસા શહેરમાં 47 અને 34 વર્ષીય મહિલા તેમજ 51 વર્ષીય પુરૂષને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
કલોલ તાલુકામાં જાસપુર ગામ ખાતે 48 વર્ષીય પુરૂષ, પાનસર ગામના 35 વર્ષીય પુરૂષ અને કલોલ શહેરમાં ચાર પુરૂષ અને એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મંગળવારે ગાંધીનગર તાલુકાના હાઇબીપી અને ડાયાબિટીસ તેમજ સીકેડીની બિમારી ઘરાવતા 72 વર્ષીય પુરૂષનું લોટસ હોસ્પિટલ અમદાવાદ ખાતે મૃત્યૃ થયું છે.