ગાંધીનગર : ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર પ્રોફેસર એસ.ઓ. જૂનારે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે વિશ્વની પ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એવી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ફોરેન્સિક જર્નાલિઝમની શરૂઆત કરવામાં આવી છે. આ ફોરેન્સિક જર્નાલિઝમમાં ક્રાઇમ રીપોર્ટિંગ અને કોર્ટ રિપોર્ટિંગ કરતી સમયે કયા ફેક્ટરનું ધ્યાન રાખવું. મોટા હાઈ પ્રોફાઈલ કેસમાં કઈ રીતની સ્ટડી કરવી તે અંગેના કોર્સ શરૂ કરવામાં આવ્યાં છે. આ કેસ સ્ટડી સાથે કેસના નિચોડ સુધી પહોંચવા અને ફેક ન્યૂઝનું એન્કાઉન્ટર કરવા મહત્વનું સાબિત થશે. જે રીતે અત્યારે ખોટા સમાચાર અને તથ્ય વગરના સમાચારોએ માઝા મૂકી છે ત્યારે આ ફોરેન્સિક જર્નાલિઝમ આવનાર સમયમાં મહત્વનું સાબિત થશે.
ફોરેન્સિક જર્નાલિઝમ સર્ટિફિકેટ કોર્સ છે, જેમાં ફક્ત 20 બેઠક છે. આ કોર્સની મૂળ ફી 30,000 રુપિયા હતી. જોકે કોરોના લોકડાઉન પછીની સ્થિતિને લઇ આ કોર્સની ફી ઘટાડીને 15,000 કરવામાં આવી છે. કોર્સનો સમયગાળો છ માસનો છે. ફોરેન્સિક જર્નાલિઝમની પ્રથમ બેચ ઓક્ટોબર 2020થી શરુ થવા જઈ રહી છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના આ કોર્સમાં પ્રથમ 3 માસનો અભ્યાસ ઑનલાઈન કરાવવામાં આવશે. ત્યાર બાદ કોરોના સંદર્ભે પરિસ્થિતિનું આકલન કરીને નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ફોરેન્સિક જર્નાલિઝમ આવનારા સમય માટે ખૂબ જ મહત્વનું પરિબળ સમાચાર માધ્યમો માટે સાબિત થશે.
કોરોના લૉકડાઉન અને તે પછીના સમયમાં ઓનલાઈન-ડિજિટલક્ષેત્રનું મહત્વ ખૂબ વધ્યું છે, અને વધુ લોકો ડિજિટલ તરફ વળ્યા છે. મોટાભાગના કામ હવે ઑનલાઈન થવા લાગ્યા છે. વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ સ્વીકાર્ય થયો છે. મોટાભાગની પ્રવૃત્તિઓ ડિજિટલી થઈ રહી છે, ત્યારે આ ક્ષેત્રમાં પણ કેટલાક તત્વો એવા હોઇ શકે છે, જેની ક્રાઈમ માઇન્ડેડ થિંગ્ઝ સર્જાઈ શકે છે ત્યારે ઇન્ટરનેટ ઓફ થિંગ્ઝના જાણકાર લોકો માટે ફોરેન્સિક સાયન્સની સાથે ફોરેન્સિક જર્નાલિઝમની જાણકારી અતિમહત્વની સાબિત થશે. આ કોર્સ થકી જર્નાલિઝમ ક્ષેત્રમાં એક નવી જગ્યા અને નવી તકનું નિર્માણ થશે તે ચોક્કસ છે.