- રાજ્યમાં પ્રથમ વખત મહિલા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્ય
- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી નીમાબેન આચાર્યને અધ્યક્ષ પદ તરફ લઈ ગયા
- તમામ નેતાઓ અને સભ્યોએ પાઠવ્યા અભિનંદન
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડો.નીમા આચાર્યની સર્વાનુમતે વરણી 14મી વિધાનસભાના નવમાં સત્રના પ્રથમ દિવસે કરવામાં આવી હતી. જે ગૃહના તમામ સભ્યોના અને સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. અધ્યક્ષની પસંદગી થતા ગૃહના નેતા અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને સંસદીય બાબતોના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી નવ નિયુક્ત અધ્યક્ષોને તેમના અધ્યક્ષીય સ્થાન તરફ દોરી ગયા હતા. ડો.નીમાબેને સભાગૃહમાં સૌ સભ્યોનો આભાર વ્યકત કર્યો હતો.
તમામ સિનિયર નેતાઓએ આપ્યા અભિનંદન
વિધાનસભા ગૃહમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રથમ મહિલા અધ્યક્ષને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આજે વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ દિવસ અને આજે જ ગુજરાત વિધાનસભાના મહિલા અધ્યક્ષ બન્યા છે તે માટે અભિનંદન. જ્યારે ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની પરંપરા મુજબ અધ્યક્ષનું સર્વોચ્ચ પદ છે, ભાજપ સરકાર આવી છે ત્યારે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીની વાત આવી છે, ત્યારે વિપક્ષે ટેકો આપ્યો છે, વર્ષ 1995થી 2021ની 26 વર્ષની રાજકીય કારકિર્દી રહી છે. એક મહિલા તરીકે પુરૂષ પ્રધાન દેશમાં સંઘર્ષ કરવો અને પદ ધારણ કરવું અભિનંદનને પાત્ર છે.
અધ્યક્ષ અને સરકાર બન્ને નવા આવવાથી ગૃહમાં ફૂલ ગુલાબી વાતાવરણ જોવા મળ્યું
ઉપરાંત પરેશ ધાનાણી અને રાજેન્દ્ર ત્રિવેદીએ નીમા બેનને માતાનું બિરુદ આપ્યું છે, જેથી માતા તરીકે તમામ સંતાનો પર એક સમાન નજર રાખે તેવી ટિપ્પણી કરી હતી. નાયબ પૂર્વ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, આપે લાંબી મજલ કાપી છે. જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય તેવા વિસ્તારમાંથી તમે આવો છો. વિપક્ષને અભિનંદન કે સર્વાનુમતે અધ્યક્ષની નિમણુંક કરાઈ છે. આજે અધ્યક્ષ નવા અને સરકાર પણ નવી એટલે ગૃહમાં ફૂલ ગુલાબી વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો- વિધાનસભાના બે દિવસીય ચોમાસા સત્રની આજથી શરૂઆત : વિપક્ષનું વિરોધ પ્રદર્શન જારી
આ પણ વાંચો- ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ડ્રગ્સનો મુદ્દો ગાજ્યો, ગૃહ રાજ્યપ્રધાને કહ્યું, 72 કલાકનું હતું ડ્રગ્સ ઓપરેશન