ગાંધીનગર: વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જણાવ્યું કે, સિંહ, દીપડા જેવા જંગલી પ્રાણીઓના ત્રાસથી ખેડૂતેને પાંજરામાં સૂવાના દિવસો આવ્યા છે. જેથી કરીને ખેડૂતોને દિવસે વીજળી આપવી જોઈએ. જેના જવાબમાં ઉર્જા પ્રધાને આગામી 3 વર્ષમાં આ અંગે પ્લાનીંગ થવાની જોગવાઇની વાત કરી હતી. ઠુમ્મરે વધુમાં જણાવ્યું કે, બગસરા, વિસાવદર જેવા તાલુકામાં દીપડાઓ રાત્રિના સમયમાં ખેડૂતોનો શિકાર બનાવી રહ્યા છે.
ઠુમ્મરે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે, આ સરકાર વાહવાહી વાળી સરકાર છે. સરકારના વાહન વ્યવહાર પ્રધાન મહાનગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ ન પહેરવાની જાહેરાત કરે છે. ત્યારબાદ કોર્ટમાં અફિડેવિટ કરે છે કે, સરકારે આવું કહ્યું નથી. વધુમાં ધારાસભ્યએ આ સત્રના અંત સુઘીમાં જંગલી પ્રાણીઓથી ભયભીત ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો, ગૃહ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની ચીમકી ઉચ્ચારી હતી.