ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાગૃહમાં નાણાંપ્રધાન દ્વારા એન્જીનિયરિંગ અને ફાર્મસી કોલેજના પ્રોફેસરોને સાતમાં પગાર પંચની ભેટ આપવામાં આવી હતી. શિક્ષણપ્રધાન પોતાનું પ્રવચન કરી રહ્યાં હતાં. તે દરમિયાન નાણાંપ્રધાને ચિઠ્ઠી આપતાં જાહેર કરવામાં આવ્યું હતું કે આ એન્જીનિયરિંગ અને ફાર્મસી કોલેજના પ્રોફેસરોની સાતમા પગારપંચની માગ સ્વીકારાઈ છે.
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે જેમાં અનેક સરકારી વિધેયકો ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં ફાર્મસી અને એન્જીનિયરિંગ કોલેજમાં ફરજ બજાવતાં પ્રોફેસરો ઉપર સરકાર ઓળઘોળ થઈ ગઈ છે. પ્રોફેસરો દ્વારા છેલ્લાં કેટલાય સમયથી સાતમા પગાર પંચની માંગ કરવામાં આવી રહી હતી. ત્યારે હવે આ માગનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.
વિધાનસભા સત્ર દરમિયાન સાતમાં પગાર પંચની જાહેરાત કરતાં પ્રોફેસરોમાં હવે ખુશીનું મોજુ ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં ફરજ બજાવતાં મોટાભાગના કર્મચારીઓ સાતમાં પગાર પંચના લાભથી વંચિત છે. ત્યારે છેલ્લાં કેટલાય સમયથી આ કર્મચારીઓ દ્વારા સાતમાં પગાર પંચની માગ કરવામાં આવી રહી હતી. હજુ પણ કેટલાક કર્મચારીઓ આ લાભથી વંચિત છે. ત્યારે આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. નાણાંપ્રધાન અને નિતીન પટેલે તેમને ચિઠ્ઠી આપતાં આ જાહેરાત કરવામાં આવી હતી.