- ટેસ્લા કંપની આવશે ગુજરાતમાં
- ઇલેક્ટ્રિક કાર્સનું હવે ગુજરાતમાં ઉત્પાદન થશે
- ગુજરાત સરકારને અનેક આંતરરાષ્ટ્રીય કંપનીના પ્રપોઝલ મળ્યા
ગાંધીનગર : કોરોના વૈશ્વિક મહામારીના કારણે અનેક કંપનીઓ બંધ થઇ ગઇ છે. જ્યારે અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓ એવી છે કે, જે ચાઇના દેશને છોડીને ભારતમાં અને મુખ્યત્વે ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટેની તૈયારીઓ કરી રહી છે. જે બાબતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે, વિશ્વની સૌથી મોટી કંપની ટેસ્લા ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપી શકે છે.
ટેસ્લા કંપની ઇલેક્ટ્રોનિક કારનું કરે છે ઉત્પાદન
ટેસ્લા કંપની વિશ્વમાં સારી એવી ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની છે. લાંબા સમયથી રાજ્ય સરકાર અને ટેસ્લા કંપનીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પ્લાન્ટ સ્થાપવા બાબતની ચર્ચા પણ થઈ રહી છે. ત્યારે ટેસ્લા કંપનીએ ગુજરાતમાં તમામ શક્ય સહાય અને પ્રોત્સાહનો આપવાની તૈયારીઓ પણ દર્શાવી હોવાનું સામે આવી રહ્યું છે. બેંગ્લુરુમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર બનાવવા જઇ રહેલી ટેસ્લા કંપની ગુજરાત સહિત અનેક રાજ્યોના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ભારતીય માર્કેટમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે પગપેસારો કરવા કેટલા કંપની ગુજરાતનો સહારો લે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.
અનેક કંપનીઓના પ્રપોઝલ ગુજરાત સરકારને મળ્યા
આંતરરાષ્ટ્રીય કંપનીઓ હવે ગુજરાતમાં પગપેસારો કરી રહી છે અને ગુજરાત સરકારે પણ આંતરરાષ્ટ્રીય કંપની માટે લાલ જાજમ પાથરી છે. ત્યારે આ બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારી બાદ અનેક કંપનીઓના પ્રપોઝલ ગુજરાત સરકારને મળ્યા છે. જેના પર ચર્ચા વિચારણા ચાલી રહી છે. આમ ટેસ્લા સિવાય અનેક એવી મોટી કંપનીઓ છે, જે આવનારા સમયમાં ગુજરાતમાં પોતાના પ્લાન્ટની સ્થાપના કરી શકશે.
કંપનીઓ આવવાથી રાજ્ય સરકારની આવકમાં વધારો અને રોજગરીમાં વધારો થશે
આંતરરાષ્ટ્રીય કંપનીના આવવાથી ગુજરાત સરકારની આવકમાં પણ વધારો થશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કંપનીઓને ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપ્યો છે, તો ગુજરાત સરકારની પણ આવકમાં ખાસ્સો વધારો થશે. જ્યારે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થઈ શકશે. આમ આંતરરાષ્ટ્રીય કંપનીઓના આવવાથી ગુજરાત અને ગુજરાતીઓને વધુમાં વધુ ફાયદો થશે.