ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષકોના 4200 ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયા ઉપર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજે સોમવારે રાજ્ય શિક્ષણ સંઘ અને રાજ્યના શિક્ષણપ્રધાન વચ્ચે 4200 ગ્રેડ પે મુદ્દે બેઠક યોજાઇ હતી. પરંતુ હજુ સુધી શિક્ષકો માટે કોઈ જ નિર્ણય આવ્યો નથી.
4200 ગ્રેડ પે બાબતે બેઠક યોજાઇ
- શિક્ષણ સંઘે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક યોજી
- ત્રીજી બેઠક યોજાઇ છત્તા પણ નિવેડો નહીં
- આ બેઠકમાં ટેકનિકલ અને બિન ટેકનિકલ મુદ્દે થઇ ચર્ચા
- આ બાબત રાજ્યના 65,000 શિક્ષકોને અસર કરે છે
આ બેઠક બાદ શિક્ષણ સંઘના આગેવાન દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શિક્ષકોના 4200 ગ્રેડ પે બાબતે આજે સોમવારે ત્રીજી વખત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તમામ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી, સાથે જ ટેકનિકલ મુદ્દે અને બિન ટેકનિકલ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ મુદ્દામાં નાણા વિભાગ પર હોવાના કારણે નાણા વિભાગ સાથે પણ ચર્ચા કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે.
આજની બેઠકમાં ટેકનિકલ મુદ્દાથી વિસંગતતા ઊભી થઈ તે અંગે ચર્ચા થઈ છે. જ્યારે હવે આગામી સમયમાં નાણાં, સામાન્ય વહીવટ અને શિક્ષણ વિભાગ સાથે સંકલન સાધી સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માગ શિક્ષણપ્રધાન સમક્ષ મૂકવામાં આવી છે. ઉપરાંત જ્યાં સુધી નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે મિટીંગનો દોર ચાલુ રાખીશું. આ મુદ્દામાં 65 હજાર શિક્ષકને આ બાબત અસર કરે છે માટે જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી સરકાર સાથે ચર્ચાઓ યથાવત રહેશે.