ગાંધીનગરઃ પાલતુ પ્રાણી કેટલું વફાદાર હોય છે, તે બોલિવૂડની ફિલ્મોમાં અનેક વખત દર્શાવવામાં આવ્યું છે. માણસ કરતાં પણ વફાદાર હોય છે પાલતુ પ્રાણી. ત્યારે તેના જવાનો અફસોસ તેના માલિકને ચોક્કસ થાય છે. આજે ગાંધીનગરના ફાયર ઓફિસર દ્વારા પોતાના ઘરે 10 વર્ષથી રાખવામાં આવેલો ગિની (શ્વાન)નું મોત થતા મનુષ્યની જેમ તેની અંતિમક્રિયા કરવામાં આવી હતી. તે સમયે ઘરના તમામ પરિવારજનોની આંખમાંથી અશ્રુ ધારાઓ નીકળી ગઈ હતી.
પરિવારના સભ્યની જેમ રાખેલા શ્વાનનું મોત થતા ફાયર ઓફિસરે નનામી કાઢી અંતિમ ક્રિયા કરી ગાંધીનગર ફાયર ઓફિસર મહેશ મોડના પરિવારમાં 2 પુત્રો અને પત્નીનો સમાવેશ થાય છે. તેની સાથે જ તેઓ 1 મહિનાના શ્વાનના બચ્ચાને પોતાના ઘરે લાવ્યા હતા. ઘરે લાવીને નામકરણ કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્યની જેમ ગીની (શ્વાન) સૌની લાડલી બની ગઈ હતી. એક મહિનાની હતી ત્યારથી મોટી કરીને 10 વર્ષ સુધી પોતાની સાથે રાખવામાં આવી હતી. ત્યારે ગિનીનું આજે અવસાન થતા ફાયર ઓફિસર મહેશ મોડ દ્વારા એક મનુષ્યનું અવસાન થાય ત્યારે અંતિમ વિધિ કરવામાં આવે છે, તે પ્રમાણેની વિધિ સાથે વિદાય આપવામાં આવી હતી. અંતિમ ક્રિયામાં ઓફિસરનો પરિવાર અને પડોશીઓ જોડાયા હતા, તે સમયે તમામની આંખમાંથી અશ્રુ વહેતાં જોવા મળ્યા હતા.