- ઓકટોબર માસના પ્રથમ સપ્તાહમાં યોજાશે સ્પર્ધા
- નવરાત્રીની હજુ સુધી સરકાર તરફથી કોઈ પરમિશન અપાઈ નથી
- ગત વર્ષે કોરોનાના કારણે આ સ્પર્ધા થઈ શકી નહોતી
ગાંધીનગર: રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર જિલ્લાકક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રાસ ગરબાની આ સ્પર્ધા ગત વર્ષે કોરોનાના કારણે થઈ શકી નહોતી. જેથી આ વર્ષે સ્પર્ધા યોજવામાં આવશે, જેમાં ઘણા લોકો આ સ્પર્ધાની રાહ પણ જોઈ રહ્યા હતા.
આ સ્પર્ધા શહેર અને ગ્રામ્યમાં યોજાશે
આ સ્પર્ધા શહેર અને ગ્રામ્યમાં યોજાશે. આ સ્પર્ધામાં રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા એમ કુલ 3 સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં રાસ માટે 14થી 40 વર્ષની વયજૂથમાં આવતા વ્યક્તિઓ ભાગ લઇ શકશે. જયારે પ્રાચીન અને અર્વાચીન ગરબામાં 14થી 35 વર્ષની વયજૂથમાં ભાગ લઇ શકશે. દર વર્ષે આ પ્રકારે સ્પર્ધા યોજવામાં આવે છે, જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળે છે.
આ રીતે આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો
જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત-ગમતની કચેરી, સહયોગ સંકુલ, સી- વિગ્સ, છઠ્ઠો માળ, પ્રથિકાશ્રમ પાસે, ગાંધીનગર ખાતેથી નિયત નમૂનાનું ફોર્મ મેળવી 30મી સપ્ટેમ્બર સુધીમાં એડ્રેસ પર મોકલી આપવાના રહેશે. ફોર્મ ભરાશે એ પછી સ્થળ નક્કી કરવામાં આવશે. જેમાં સ્પર્ધકોને જુદા-જુદા વિસ્તાર પ્રમાણે બોલાવવામાં આવશે. જયુરી પણ હશે જેઓ જુદી-જુદી ત્રણ સ્પર્ધામાં નક્કી કરાયેલા નિયમો મુજબ સ્પર્ધકોની વિનર તરીકે પસંદગી કરશે.
આ પણ વાંચો- રાજ્યમાં હજુ પણ ગરબાના આયોજનને લઈને અસમંજસ
આ પણ વાંચો- નવરાત્રી: ફક્ત આરતીના આયોજન સાથે શક્તિની આરાધના શરૂ