ગાંધીનગર : શિક્ષક ઉમેદવાર શૈલેષ જાનીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2011માં શિક્ષકની પરીક્ષા આપ્યા બાદ વર્ષ 2016માં સરકારી ભરતી બહાર પડી હતી. ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 9થી 12 શિક્ષકો માટેની વ્યક્તિ બહાર પાડવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારે એકથી ચાર રાઉન્ડ કર્યાં હતાં. પરંતુ પછી અચાનક જ પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી ત્યારે સરકારમાં અનેક રજૂઆત કરવા છતાં પણ સરકારે કોઈ પગલાં ન ભરતાં નામદાર હાઇકોર્ટના દ્વાર ખખડાવવાં પડ્યાં હતાં.
આ સંદર્ભમાંં નામદાર હાઈકોર્ટે વર્ષ 2019ના ઓગસ્ટ મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હોવા છતાં સરકારે હજુ સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે અગાઉ પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત શિક્ષણ સચિવને પણ રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઇ નિર્ણય આવ્યો નથી.
જ્યારે ટાટ ઉમેદવાર રાજેશ પટેલે જણાવ્યું હતું કે 2016ની ભરતી પ્રક્રિયા હજુ બાકી છે. સરકારમાં ઉચ્ચ રજૂઆત કરી છતાં પણ હજુ સુધી કોઈ જ નિર્ણય લેવામાં નથી આવ્યો, ત્યારે સરકાર દ્વારા અટકાયેલી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે તે જોવું રહ્યું.