- 4 વર્ષથી સતત કરવામાં આવી રહી છે રજૂઆત
- રાજ્યમાં TET-2 ના ઉમેદવારો નોકરીથી વંચિત
- સરકારી પરીક્ષા કરી પાસ પણ નોકરી ન મળી
- હવે નોકરી નહીં તો સત્યાગ્રહ ખાતે આંદોલનની ચીમકી
ગાંધીનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. ત્યારે આજે સોમવારે TET-2 પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે શિક્ષકોની ભરતી કરવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે જ તેઓએ શિક્ષણ નિયામકને આવેદનપત્ર આપીને TET-2 ઉમેદવારોની જલદીમાં જલદી નિમણૂક થાય તેવી પણ માગ કરી હતી. જો આ નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનની પણ ચીમકી આપી હતી.
47,000 ઉમેદવારો બેરોજગાર 6,500 જગ્યાઓ ખાલી
TET-2 આંદોલનના આગેવાન હરદેવસિંહ વાળાએ ETV BHARAT સાથેની ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 47,000 વિદ્યાર્થીઓ બેરોજગાર છે. જ્યારે ગુજરાત રાજ્યમાં 65,000થી વધુ જગ્યાઓ ખાલી પડી છે. તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઇ પ્રકારની ભરતી પ્રક્રિયા આગળ વધારવામાં આવતી ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ત્યારે આ પ્રક્રિયા વધુ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી પણ માગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી.
અનેક ઉમેદવારોની ઉંમર પૂર્ણ થવા આવી
TET-2 ઉમેદવારના આગેવાન હરદેવસિંહ આગેવાન ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા આક્ષેપ કર્યા હતા કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017 દરમિયાન જાહેર પરીક્ષા યોજવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી એક પણ ભરતી કરાઇ ન હોવાના કારણે અનેક ઉમેદવારોની ઉંમર પૂર્ણ થવા આવી છે. જ્યારે અમુક ઉમેદવારોની પૂરી થઈ ગઈ છે ત્યારે આવા અનેક ઉમેદવારો નોકરીથી વંચિત રહી જશે.
સરકાર તાત્કાલિક ભરતી કરે નહીં તો આંદોલન
આગેવાનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક ઉમેદવારોની ભરતી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ચોક્કસથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઉમેદવારો છેલ્લા ચાર વર્ષથી સતત રાજ્યના શિક્ષણ વિભાગને આવેદનપત્ર આપી રહ્યા છે. તેમ છતાં કોઇ નિર્ણય ન થતાં હવે ઉમેદવારો આંદોલનનો માર્ગ અપનાવશે.