- આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તમામ બેઠકો પર લડશે
- અત્યાર સુધીમાં 750 ઉમેદવારોની કરાઈ જાહેરાત
- દિલ્હી CM કેજરીવાલ ગુજરાત આવે તેવી શક્યતાઓ
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવા જઇ રહી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં ઉતરવાની સંપૂર્ણ તૈયારી કરી રહી છે, અત્યાર સુધીમાં ત્રણ તબક્કા વાર આમ આદમી પાર્ટી દ્વારા 750 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવે તેવી પણ શક્યતાઓ જણાઇ રહી છે. જે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા જણાવવામા આવ્યું હતુ.
માળખાકીય પ્રશ્નો અને દિલ્હી મોડેલ બાબતે ચૂંટણી લડવામાં આવશે
ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માળખાકીય પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, ગટર, પીવાનું પાણી આ તમામ મુદ્દાને ધ્યાનમાં લઈને ચૂંટણી લડવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી મોડેલ ગુજરાતમાં કઈ રીતે સ્થાપી શકાય આવા તમામ મુદ્દાઓ પર અરવિંદ કેજરીવાલે મુખ્યપ્રધાન તરીકે દિલ્હીમાં જે રીતે વ્યવસ્થાઓ કરી છે અને જે રીતે વિકાસના કામો થયા છે તે પણ ગુજરાતમાં કઈ રીતે થઈ શકે તે બાબતે લોકોને સમજાવવામાં આવશે અને લોકોના મત મેળવવાનું અને લોકોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવશે આમ ગુજરાતમાં દિલ્હી મોડલ બેઝ રાખીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને મોટી ટક્કર આપવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને તૈયારીઓ
ગોપાલ ઇટાલીયા વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા તબક્કાવાર ઉમેદવારોના લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે અત્યાર સુધીમાં 750 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.જ્યારે આવનારા સમયમાં હજુ પણ તબક્કાવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે અને આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ભાગ લેશે.