- મહા નગરપાલિકાની 21 અને 28 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી યોજાશે
- ચૂંટણીની તૈયારીનાં ભાગરૂપે 21 જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચે યોજી હતી બેઠક
- કોરોનાને કારણે એક તબક્કે મતદાન પર અસર થવાનો બન્ને પક્ષોમાં ડર
ગાંધીનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગત ઘણા દિવસોથી રાજકીય પક્ષોની ઉંઘ ઉડી છે. ત્યારે આજે શનિવારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો, 83 નગરપાલિકાઓ અને 6 મહા નગરપાલિકાઓ ચૂંટણી યોજાશે. મહા નગરપાલિકાની 21 અને 28 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી યોજાશે.
ચૂંટણી પંચે સરકારનાં વિભાગો સાથે યોજી હતી બેઠક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણીની તૈયારીનાં ભાગરૂપે 21 જાન્યુઆરીનાં રોજ ચૂંટણી પંચે સરકારના પોલીસ, આરોગ્ય સહિતનાં તમામ મહત્વનાં વિભાગો સાથે બેઠક યોજી હતી. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને પગલે તમામ વિભાગો પાસેથી અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા.
કોરોના સંક્રમણને ધ્યાને રાખીને બૂથની સંખ્યામાં વધારો કરાશે?
વિધાનસભાની 8 બેઠકો પરની પેટા ચૂંટણીમાં કોરોના સંક્રમણને ધ્યાન પર રાખીને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પોલિંગ બૂથની સંખ્યા વધારવામાં આવી હતી, ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ જ રીતે વધારાનાં બૂથ ઊભા કરવામાં આવે તેની શક્યતા નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા આરોગ્ય વિભાગ સાથે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે કરાયેલી ચર્ચાઓમાં ચૂંટણી દરમિયાન ફરજ બજાવનારા અધિકારીઓ અને કર્મચારીઓની આરોગ્ય વિષયક ચિજવસ્તુઓની જરૂરીયાતો અને આરોગ્ય વિષયક જરૂરી પગલાં લેવા બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો
તારીખ | પ્રક્રિયા |
---|---|
23 જાન્યુઆરી | જાહેરનામુ બહાર પાડ્યું |
મહા નગરપાલિકા 1 ફેબ્રુઆરી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત 8 ફેબ્રુઆરી | જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ |
મહા નગરપાલિકા 6 ફેબ્રુઆરી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત 13 ફેબ્રુઆરી | ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ |
મહા નગરપાલિકા 8 ફેબ્રુઆરી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત 15 ફેબ્રુઆરી | ઉમેદવારી ફોર્મની ચકાસણી |
મહા નગરપાલિકા 9 ફેબ્રુઆરી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત 16 ફેબ્રુઆરી | ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ |
મહા નગરપાલિકા 21 ફેબ્રુઆરી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત 28 ફેબ્રુઆરી (સવારે 7થી સાંજના 6 કલાક સુધી) | મતદાન તારીખ |
મહા નગરપાલિકા 22 ફેબ્રુઆરી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત 1 માર્ચ | પુન: મતદાનની તારીખ(જરૂર જણાય તો) |
મહા નગરપાલિકા 23 ફેબ્રુઆરી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત 2 માર્ચ | મતગણતરી |
મહા નગરપાલિકા 26 ફેબ્રુઆરી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત 5 માર્ચ | ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ |
ભાજપ-કોંગ્રેસનાં વોટ તોડવા ઓવૈસી અને છોટુ વસાવા સાથે મળીને લડશે
સ્થાનિક રાજનીતિમાં ઓવૈસીની એન્ટ્રીથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં ઓવૈસીની પાર્ટી AIMIM અને છોટુ વસાવાની પાર્ટી BTPનું ગઠબંધન થયું છે. બન્ને પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે મળીને લડવાનાં હોવાની જાહેરાત છોટુ વસાવા કરી ચૂક્યા છે. ચૂંટણીની જાહેરાત અગાઉ AIMIM દ્વારા પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય સાબિર કાબુલીવાલાની ગુજરાત પ્રદેશ પ્રમુખપદે વરણી પણ કરી દીધી છે.
આમ આદમી પાર્ટી પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાગ લેશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસની સામે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરશે. ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ગુજરાતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો ઉભા રાખવામાં આવશે, તેવું નિવેદન આપ્યું હતું. જે બાદ વિવિધ શહેરોમાં ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યભરમાં પોલખોલ કાર્યક્રમ યોજીને વિતેલા સમયમાં કરાયેલા ભ્રષ્ટાચારો પણ લોકો સમક્ષ મૂકવામાં આવ્યા હતા.
ભાજપ-કોંગ્રેસની મોટાભાગની તૈયારીઓ પૂર્ણ
કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસે ગત એક મહિનાથી કવાયત હાથ ધરી છે. ઉમેદવારો નક્કી કરવા માટે નિરીક્ષકોની નિમણૂંક સહિતની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બન્ને પક્ષો હાલ ચૂંટણી જાહેર થવાની રાહ જોઈ રહ્યાં છે. કોરોનાનાં કારણે એક તબક્કે બન્ને પક્ષોમાં મતદાન પર અસર થવાનો ડર પણ વ્યાપેલો છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIMIMની સ્થાનિક રાજકારણમાં એન્ટ્રીથી વોટ તૂટવાનો ભય પણ ક્યાંકને ક્યાંક તેમને સતાવી રહ્યો હોય, તેમ જણાઈ રહ્યું છે.