આજે આપણે વાત કરીશું ગુજરાતમાં અત્યાર સુધી આવેલા ચક્રવાતો અને તેનાથી થયેલું નુકશાન વિશે.
22 નવેમ્બર 1975: પોરબંદરમાં ચક્રવાત ત્રાટ્કયો હતો. જેનું અંતિમ બિંદુ પોરબંદરથી 15 કિ.મી. દૂર હતું. જેમાં પવનની ઝડપ 160થી 180 કિમી પ્રતિ કલાકની હતી. જેમાં જૂનાગઢ, રાજકોટ અને જામનગરના કુલ 85 લોકોના મોત થયાં હતા. આ ચક્રવાતથી અંદાજીત 75 કરોડનું નુકશાન થયું હતું.
03 જૂન 1976: સોરાષ્ટ્રના દરિયાકિનારે ચક્રવાત આવ્યું હતું, જેમાં પવનની ઝડપ 167 કિમી પ્રતિ કલાકની હતી. આ ચક્રવાતના કારણે 70ના મોત થયા હતા, જ્યારે 51 ગામ, 2,500 ઘર અને 4,500 પશુઓ અસરગ્રસ્ત થયા હતા. આ ચક્રવાતના કારણે અંદાજીત 3 કરોડનું નુકશાન થયું હતું.
05થી 13 નવેમ્બર, 1978: આ ચક્રવાત પણ ગુજરાતમાં આવ્યું હતું, જેમાં ફુકાતા પવનની ઝડપ 278 કિમી પ્રતિ કલાકની હતી. આ ચક્રવાતની અસર સમગ્ર ગુજરાત પર થઈ હતી અને ભારે નુકશાન થયું હતું.
01 નવેમ્બર 1981: પશ્ચિમ વેરાવળ અને પોરબંદરમાં ચક્રવાત ત્રાટ્ક્યું હતું. જેમાં ફુકાતા પવનની ઝડપ 125 કિમી પ્રતિ કલાકની હતી. જ્યારે આ ચક્રવાતની અસર જૂનાગઢ, રાજકોટ, જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં થઈ હતા. આ ચક્રવાતે અંદાજીત 52 કરોડનું નુકશાન કર્યું હતું.
08 નવેમ્બર 1982: પશ્ચિમ વેરાવળમાં ભયંકર ચક્રવાત આવ્યું હતું, જેમાં 200 કિમી પ્રતિ કલાકની પવન ફુકાયો હતો. આ ચક્રવાતના કારણે 507 લોકો અને 1.5 લાખ પશુઓના મોત નિપજ્યા હતા.
18 જુલાઈ 1996: દીવમાં ચક્રવાત આવ્યું હતું, જેમાં ફુકાતા પવનની ઝડપ 111 કિમી પ્રતિ કલાકની હતી. આ ચક્રવાતની અસર ગુજરાતના 19 જિલ્લામાં થઈ હતી. જેમાં 33 લોકોના મોત થયા હતા, જ્યારે 27964 પાકા મકાનો તૂટી પડ્યા હતા. આ ચક્રવાતના કારણે અંદાજીત 1803.52 લાખ રૂપિયાનું નુકશાન થયું હતું.
09 જૂન 1998: ઉત્તર પોરબંદરમાં ચક્રવાત આવ્યું હતું, જેમાં ફુકાતા પવનની ઝડપ 167 કિમી પ્રતિ કલાકની હતી. આ ચક્રવાતના કારણે 1,173 લોકોના મોત અને 1774 લોકો લાપતા થયા હતા, જ્યારે આ ચક્રવાતના કારણે અંદાજીત 131 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.
20 મે, 1999: ઉત્તર પાકિસ્તાનની સરહદ નજીક ચક્રવાત આવ્યું હતું, જેમાં ફુકાતા પવનની ઝડપ 102 કિમી પ્રતિ કલાકની હતી. આ ચક્રવાતના કારણે કચ્છ અને જામનગર જિલ્લાના 453 લોકોના મોત થયા હતા, જ્યારે આ ચક્રવાતના કારણે અંદાજીત 80 કરોડ રૂપિયાની સંપતીને નુકશાન થયું હતું.
31 મે, 2010: પાકિસ્તાન નજીકના વિસ્તારમાં ચક્રવાત ત્રાટક્યું હતું, જેમાં ફુકાતા પવનની ઝડપ 157 કિમી પ્રતિ કલાકની હતી. આ ચક્રવાતના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો.
5-6 ડિસેમ્બર, 2017: ઓખી ચક્રવાતમાં 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાયો હતો. 28 નવેમ્બર, 2017 દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં લૉ પ્રેશર કારણે ઓખી સર્જાયું હતું. ઓખી ગુજરાતમાં ત્રાટકે તે પહેલા જ દરિયામાં સમી ગયું હતું.
સંદર્ભઃ ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી