- ટોયલેટ ન હોવાના કારણે મારઝૂડ થતા પત્નીએ ફરિયાદ નોંધાવી હતી
- ઘરમાં શૌચાલય ન હોવાથી અનેક મુશ્કેલીઓ પડતા નારાજ પત્નીએ પતિથી છુટા પડવાનું નક્કી કર્યું
- કોર્ટે પણ પત્ની તરફી ચુકાદો આપ્યો
ગાંધીનગર : આજથી આઠ વર્ષ પહેલા ગાંધીનગરના રાંદેસણમાં રહેતી એક યુવતીના લગ્ન મહેસાણાના મેઉં ગામમાં થયા હતા. જો કે આ યુગલના છુટાછેડા ઘરમાં ટોયલેટ ન હોવાના કારણે થયા છે. માહી (નામ બદલેલ છે) ધોરણ 10 સુધી ભણી છે અને બ્યુટિશિયનનો કોર્સ પણ કર્યો છે. માહી અને તેના ભાઈના લગ્ન સાટા પેટા પદ્ધતિ થયા હતા. સાસરીમાં છ એકર જમીન હતી અને પશુપાલનમાંથી રૂ. 10,000ની આવક મહિને ઘરમાં થતી હતી. આ ઉપરાંત ઘરના સભ્યો પણ કમાતા હતા. ઘરમાં આર્થિક એટલી સંકળામણ ન હોતી કે જેનાથી ટોયલેટ ન બની શકે છતાંય ઘરે શૌચાલય નહોતું જે બાબતે માહી અને તેના પતિ વચ્ચે ઝઘડાઓ થતા અને તે છુટાછેડા સુધી પરિણમ્યા.
માહીએએ લગ્ન પહેલા પતિ સાથે શૌચાલય બનાવવાની વાત કરી હતી
માહીએ લગ્ન પહેલા પતિ સાથે શૌચાલય બનાવવાની વાત કરી હતી અને પતિએ પણ તેના માટે હા પાડી હતી પરંતુ લગ્ન બાદ બંને વચ્ચે ઘરમાં શૌચાલય ન હોવાના કારણે તકરાર થતી હતી કેમકે મહિલાઓને ખુલ્લામાં શૌચમાં જવું પડતું હતું. જેનાથી માહી ક્ષોભમાં મુકાતી હતી. ક્યારેક તેના કારણે ફૂડ પોઈઝનિંગ થવું અને બીમાર થઇ જવું એવી સમસ્યા પણ થતી હતી. આ ઉપરાંત દરરોજ બહાર જતા સંકોચ માહીને થતો હતો. જેથી બંને વચ્ચે ઝગડા થતા અને આ ઝઘડાઓ મારઝૂડ પણ થતી. જેમાં માહી પર પતિ હાથ ઉગામતો હતો વારંવાર આ બનતું હોવાથી ત્રાસ વધતા માહી તેના પતિનું ઘર છોડી પોતાના પિયર આવી ગઈ.
માહી ટોયલેટ ન હોવાના કારણે પોતાના પિયર આવી ગઈ
માહી અને તેના ભાઈના સાટા પેટાથી લગ્ન થયા હતા. માહી ટોયલેટ ન હોવાના કારણે પોતાના પિયર આવી જતા પતિએ મહિના ભાઈ સાથે સાટાથી પરણાવેલી તેની બહેનને પાછી પિયર બોલાવી લીધી. છેવટે ચારેયનો ઘર સંસાર ન તૂટે એટલા માટે પરિવાર અને સમાજના લોકોએ દ્વારા સમાધાન કરવામાં આવ્યું પરંતુ ફરીથી ઝઘડાઓ ચાલુ રહ્યાં અને માહીએ છેવટે પતિ મારઝૂડ કરતો હોવાથી કંટાળીને લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસાનો કેસ જે તે સમયે નોંધાવ્યો હતો.
ગાંધીનગર કોર્ટમાં ત્રણ વર્ષ ચાલેલા આ કેસમાં કોર્ટે માહીની તરફેણમાં ચુકાદો
માહી અને તેના પતિએ અલગ થવાનું વિચાર્યું અને આ કેસ કોર્ટમાં પહોંચ્યો. ગાંધીનગર કોર્ટમાં 3 વર્ષ ચાલેલા આ કેસમાં કોર્ટે માહિની તરફેણમાં ચુકાદો આપ્યો. ભરણ પોષણ પેટે મહિને 6,000 રૂપિયા આપવાનો આદેશ કોર્ટે કર્યો. આજે માહી ગાંધીનગરમાં રહે છે અને બ્યુટીપાર્લરનું કામ કરે છે. ટોયલેટ એક પ્રેમ કથા પ્રકારની સ્ટોરી આ કેસમાં જોવા મળી છે.