ગાંધીનગર: રાજ્યમાં ફી માફીનો મુદ્દો ઉકેલાવાની જગ્યાએ વધુ પેચીદો બન્યો છે. ગુજરાત હાઈકોર્ટે ભલે સ્કૂલ ફી માફી કરવાનો નિર્ણય સરકાર પર છોડ્યો હતો, પરંતુ સરકાર માટે પણ હવે આ મામલે નિર્ણય કરવો અઘરો બની રહેવાનો છે. સ્કૂલ ફી માફી કરવી કે નહીં અને માફી કરવી તો કેટલી કરવી તે સવાલ ઉભો થયો છે અને શું ફી માફીનો નિર્ણય કર્યા બાદ આ વિવાદનો અંત આવશે કે કેમ તે કહેવું પણ મુશ્કેલ છે.
બે દિવસ પહેલા વાલી મંડળમાંથી નરેશ શાહ, ભાવિન વ્યાસ, અમિત પંચાલ, કમલ રાવલ સહિત આગેવાનો શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહને મળવા ગયા હતા. તેમાં સરકાર દ્વારા 25 ટકા ફી માફીની વાત કરાઈ હતી. જ્યારે વાલી મંડળમાં 50 ટકા અને 100 ટકા ફી માફીની માંગ કરાઈ હતી. જેના કારણે તે દિવસે મિટિંગમાં ફી મામલે કોઇ નિરાકરણ આવ્યું ન હતું.
મંગળવારે ફરી વાલીઓ અને શિક્ષણપ્રધાન વચ્ચે બેઠક મળી હતી.આ બેઠકમાં સ્કૂલ સંચાલકો કેવી રીતે પહોંચી ગયા તે સવાલ પણ ઉઠ્યો છે. એટલું જ નહીં સ્કૂલ સંચાલકોને કોણે ગાંધીનગર બોલાવ્યા તે સવાલો પણ ઉઠ્યા હતા.તેવામાં સ્કૂલ ફી માટે મિટિંગમાં વાલી મંડળના નરેશ શાહ અને ભાવિન વ્યાસ તેમજ સ્કૂલ સંચાલકો જ પહોંચ્યા હતા. જ્યારે અન્ય વાલી મંડળના સભ્યો અને આગેવાનોને મિટિંગમાં તેમનો પક્ષ રજૂ કરવાની તક નહીં મળતા વાલી મંડળમાં બે ગ્રૂપ પડી ગયા હતા.
આ મિટિંગ માટે ગાંધીનગર આવેલા અન્ય વાલી મંડળના આગેવાનો કમલ રાવલ, અમિત પંચાલ, મિતેષ ભાઈ અને સતીષ ભાઈ સહિતના આગેવાનો મિટિંગમાં ન જઇ શકતા તેઓ રોષે ભરાયા હતા અને ફી માફીની વાત કોરાણે મુકાઈ ગઈ હતી. સ્કૂલ ફીની રાહત માટેની કવાયત વચ્ચે વાલીમંડળમાં જ વિખવાદ થયો છે.
એક જ ઓલ ગુજરાત વાલીમંડળને શા માટે બેઠકમાં બોલાવાઇ રહ્યું છે. અન્ય વાલી મંડળને કેમ બેઠક માટે સરકારે ન બોલાવ્યા હોવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. ફી માં રાહતનો મુદ્દો બાજુઓએ મુકી સભ્યો અંદરોઅંદર બાખડ્યા છે. વાલીમંડળના કેટલાક સભ્યોને મિટિંગમાં ન જવા દેતા વિખવાદ સર્જાયો છે.
વાલીમંડળના સભ્યોએ એક બીજા પર આક્ષેપ બાજી શરૂ કરી છે. જે લોકો શિક્ષણનો ધંધો કરે છે તેમને બેઠકમાં બોલાવાયાનો આક્ષેપ કરાયો છે. તો બીજી તરફ ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહ પર વાલીમંડળના સભ્યોએ આક્ષેપ લગાવ્યા છે. વાલીમંડળ તરફથી નરેશ શાહને પ્રમુખ નથી બનાવાયા.
નરેશ શાહ સરકારના દલાલ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમને જણાવ્યું કે નરેશ શાહ અનેકવખત તેઓને ઔપચારિક રીતે કહેતા કે ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખેસ પહેરાવી રહ્યા છે અને મને ખેસ પહેરવા અનેક વખત કહેવામાં પણ આવ્યું છે. આ બાબતે તથ્ય શું કે તેની કોઈ પુષ્ટિ થઈ નથી.
શાળા સંચાલકોને મળીને આવેલા લોકોને બેઠકમાં બોલાવાયા છે. શાળા સંચાલકો સાથે મળીને પોતાના સેટિંગ ગોઠવી રહ્યાં છે. આવા સભ્યો વાલીઓનું કઇ રીતે ભલુ કરશે. અમે 100 ટકા ફી માફીની માગ કરી રહ્યાં છીએ. 100 ટકા ફી માફીની માગ કરી એમને બીજી બેઠકમાં ન જવા દેવાયા.ફી રાહત મામલે સરકારની નિતી સામે સુરત વાલી મંડળે આક્ષેપ કર્યા છે.
વાલી મંડળે કહ્યું કે, ફી મામલે ચર્ચા કરવા બોલાવવા અનેક રજૂઆતો કરી છે. પરંતુ ભેદભાવ ભરી નિતી રાખીને સરકાર ફી અંગે ચર્ચા કરે છે. સમગ્ર મામલે પારદર્શિતા લાવવામાં શિક્ષણ વિભાગ નિરાશ છે. નિશ્ચિત વાલી મંડળો સાથે મંત્રણા કરવામાં આવે છે અને અનેક કાર્યરત વાલી મંડળની અવગણના કરવામાં આવે છે સરકારની મંછા સામે સુરત વાલી મંડળે પણ સવાલ ઊભા કર્યા છે.
CM, DyCM અને શિક્ષણપ્રધાનને ફી મામલે ચર્ચા કરવા પત્ર લખ્યો છે. એક જ વાલીમંડળ સાથે ચર્ચાને લઈ શિક્ષણ વિભાગ સામે સવાલ કર્યા છે.