- હજુ 53 ટકા જેટલા વરસાદની ઘટ,રાજ્યમાં દુષ્કાળના ભણકારા
- રાજ્યમાં 47 ટકાની આસપાસ વરસાદ નોંધાયો
- ચોમાસાની સિઝન બાદ દુષ્કાળ બાબતે વિચારણા થશે
ગાંધીનગર : રાજ્ય સરકારના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જે રીતે રાજ્યમાં વરસાદની ઘટ દેખાઈ રહી છે. ત્યારે હજુ પણ એક મહિના સુધી રાજ્યમાં વરસાદ પડવાની આશા રાજ્ય સરકાર રાખી રહી છે. તેને ધ્યાનમાં લઈને ચોમાસાની સીઝન પૂર્ણ થયાના પંદર દિવસ બાદ રાજ્ય સરકાર દુષ્કાળગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરશે અથવા તો જે જગ્યાએ વરસાદ નહિવત હશે તેવા વિસ્તારને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેરાત કરવામાં આવશે.
સર્વે કરીને ચર્ચા બાદ ચૂકવવામાં આવશે ઓનલાઈન સહાય
રાજ્ય સરકારની કામગીરીની જો વાત કરવામાં આવે તો જે વિસ્તારમાં અસરગ્રસ્ત એટલે કે દુષ્કાળ ગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવશે તેને ફરીથી ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે અને હેક્ટરદીઠ સહાયની ચૂકવણી કરવામાં આવે છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા લીલા દુષ્કાળની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે પણ રાજ્ય સરકારે ખેડૂતોને ઓનલાઇન સહાયની ચૂકવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં રાજ્યમાં લીલો દુષ્કાળ હતો.જેમાં 135 ટકાથી વધુ વરસાદ સમગ્ર રાજ્યમાં નોંધાયો હતો.
વર્ષ 2002થી 2004 સુધી દુષ્કાળ નોંધાયો હતો
રાજ્યમાં દુષ્કાળની વાત કરવામાં આવે તો વર્ષ 2002થી વર્ષ 2004 સુધી ઓછો વરસાદ પડયો હતો અને રાજ્ય સરકારે અનેક વિસ્તારો અને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતાં. પરંતુ બીજી તરફ જો વાત કરીએ તો જ્યારથી રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ સત્તા સંભાળી છે ત્યારથી રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વરસાદ આવી રહ્યો છે પરંતુ ફક્ત આ વર્ષે જ રાજ્યમાં ઓછો વરસાદ નોંધાયો છે. જેથી હજુ પણ રાજ્યમાં 53 ટકા જેટલા વરસાદની ઘટ સામે આવી છે.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવશે
રાજ્યમાં ગત્ વર્ષે ખાનગી કંપનીઓએ વીમા પ્રીમિયમમાં વધારો કરતા રાજ્ય સરકારે એક પણ વીમા કંપનીને પસંદ કરી ન હતી. પરંતુ તેની સામે રાજ્ય સરકારે જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી હતી. આમ રાજ્ય સરકારે જાહેરાત પ્રમાણે રાજ્યના જે તાલુકામાં ચાલુ સિઝનમાં 10 ઈંચથી ઓછો વરસાદ પડેલો હોય અથવા તો વરસાદ શરૂ થાય ત્યાંથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા વરસાદ પડેલો ન હોય તો તેવા ખેડૂતોને રાજ્ય સરકારની સહાય પ્રાપ્ત થશે. આમ દુષ્કાળ બાબતે રાજ્ય સરકારે વર્ષ 2020માં જ સહાયની જાહેરાત કરી હતી. જેમાં ખરીફ પાકમાં થયેલ નુકસાન 33 ટકા થી 60 ટકા માટે 20,000 પ્રતિ હેક્ટર વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. જ્યારે ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાન 60 ટકાથી વધુનું નુકશાન માટે 25,000 પ્રતિ હેકટર અને વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં પ્રાપ્ત થશે
આ પણ વાંચોઃ ડસ્ટબિન આપવાની માગ સાથે શહેર વસાહત મંડળે સરકાર અને જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન
આ પણ વાંચોઃ ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિને લઈ આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને