ગાંધીનગરઃ સત્યાગ્રહ છાવણી ખાતે આજે (સોમવારે) યુથ કોંગ્રેસ દ્વારા યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન (Congress Yuva Swabhiman Sammelan) કરવામાં આવ્યું છે. તેમાં રાજ્યભરમાંથી હજારોની યુવાઓ ઉમટે તેવી શક્યતાઓ છે, પરંતુ ગાંધીનગર પોલીસે આ સંમેલનને મંજૂરી નથી આપી. એટલે હવે આજે પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણ સર્જાય તેવી પૂરી શક્યતા છે.
કોંગ્રેસની ધમાકેદાર બેટીંગ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારને વિધાનસભામાં કોંગ્રેસ મજબૂત રીતે ઘેરી રહી છે. બજેટ સત્રના પ્રથમ દિવસથી જ કોંગ્રેસ ગુજરાતમાં બેરોજગારી અને પેપર ફૂટવાની ઘટનાઓને લઈને વિરોધ નોંધાવતી આવી છે. જ્યારે 25 માર્ચે ગાંધીનગરમાં વિધાનસભા ઘેરાવની કાર્યક્રમ પણ કોંગ્રેસે કર્યો હતો.
આ પણ વાંચો- Congress in Assembly Elections : આવનાર સમયમાં રસ્તા પર ઉતરી કોંગ્રેસ આંદોલન કરશે..!
ગાંધીનગરમાં કોંગ્રેસનું વધુ એક આંદોલન - ગાંધીનગરમાં આંદોલનનું કેન્દ્ર બનેલા સત્યાગ્રહ છાવણી ખાતે આજે (સોમવારે) વધુ એક આંદોલન થવા જઈ રહ્યું છે. તેમાં યુથ કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને હજારો બેરોજગાર યુવાનો ભેગા થઈને સરકારનો વિરોધ કરશે. આ માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા રાજ્યભરના યુવાનોને ગાંધીનગર પહોંચવા સંદેશ અપાયો છે.
ચૂંટણીઓ પહેલા વધતા આંદોલન - ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) પહેલા પ્રદેશ કોંગ્રેસ એક્શન મોડમાં (Gujarat Congress on Action Mode)આવી ચૂકી છે. કોંગ્રેસના અગ્રણી નેતાઓએ યુવાઓને સત્યાગ્રહ છાવણી પહોંચવા આહ્વાન કર્યું છે, પરંતુ ગાંધીનગર ખાતે DySP એમ.કે. રાણાએ જણાવ્યું હતું કે, યુથ કોંગ્રેસે સંમેલન યોજવા મંજૂરી માંગી હતી, પરંતુ તેમને મંજૂરી આપવામાં આવી નથી. એટલે આજે (સોમવારે) ચોક્કસ જ કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળશે.