- ગાંધીનગરમાં કોંગ્રેસ કાર્યકરોએ કૃષિ બીલનો કર્યો વિરોધ
- સત્યાગ્રહ છાવણી ખાતે કોવિડ 19 ની ગાઈડલાઇન્સના પાલન સાથે વિરોધ
- વિરોધપ્રદર્શનમાં પોલીસ સાથે કોઈ માથાકૂટ નહિ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા કોંગ્રેસે સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસના 30 કાર્યકર્તાઓ સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. તમામ આંદોલનકારીઓએ જમીન પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે લીધેલા કૃષિબીલને લગતા નિર્ણયોનો વિરોધ કરીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
પોલીસ સાથે કોઈ પ્રકારનું ઘર્ષણ નહિ
ગુજરાતમાં તમામ જિલ્લાઓ અને શહેરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કૃષિબીલનો સખત વિરોધ થઈ રહ્યો છે ત્યારે અનેક જિલ્લાઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા હોવાની પણ વાત સામે આવી રહી છે. પરંતુ ગાંધીનગરમાં પણ આંદોલન સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ આંદોલન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે કોઈ જ પ્રકારનું સંઘર્ષ થયું ન હતું. આંદોલન એકદમ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું. તમામ કાર્યકર્તાઓએ સેનિટાઇઝર અને સોશીયલ ડિસ્ટન્સનું પાલન કર્યુ હતું. આ દરમિયાન કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે ભાજપ પક્ષના નેતાઓ અને તેમની રેલીઓમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવતું નથી પરંતુ અમે કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરીએ છીએ.