- પાકના ભાવ, વીમાના વળતરના મુદ્દા ગૃહમાં ઉઠ્યા
- નવા ત્રણ કૃષિ બિલનો કોંગ્રેસે વિરોધ કર્યો
- મૌન રાખવાની દરખાસ્ત ગૃહમાં નકારવામાં આવી
- કોંગ્રેસના નેતાઓ ગૃહમાંથી બહાર નીકળી ગયા
ગાંધીનગરઃ શહીદ દિન નિમિત્તે પોતાના હકો વિરુદ્ધ લડતા ખેડૂતો કે જેઓ મૃત્યુ પામ્યા છે, તેમના માટે મૌન પાડવાની વાત ગૃહમાં નકારાતા પરેશ ધાનાણી સહિતના તમામ કોંગ્રેસી નેતાઓ ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા, તેમ તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. કોંગ્રેસે ખેડૂત તરફી અને સરકાર વિરોધી નારા લગાવી આ વાતનો વિરોધ કર્યો હતો. ઉપરાંત ખેડૂત વિરોધી ત્રણ બિલનો પણ વિરોધ કર્યો હતો. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ખેડૂતોને બેઠા કરવાનું કામ કર્યું છે. પાકના ભાવ, વીમાના વળતરનો મુદ્દો પણ કોંગ્રેસે ઉઠાવ્યો હતો.
આ પણ વાંચોઃ વિધાનસભામાં પરેશ ધાનાણીની ફરિયાદ, સરકારી અધિકારીઓ ધારાસભ્યોને ગણકારતા નથી
125 દિવસમાં 250 ખેડૂતોએ બલિદાન આપ્યું
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે 125 દિવસમાં 250 ખેડૂતોએ બલિદાન આપ્યું છે, હક અને અધિકાર માટે હજુ પણ ખેડૂતો દિલ્હી ખાતે આંદોલન કરી રહ્યા છે, શહીદ દિવસ નિમિત્તે ખેડૂતોના મૃત્યુને લઈને તમામ કોંગ્રેસ પક્ષે મૌન પાળવાની સરકાર સામે દરખાસ્ત મૂકી હતી, આ સાથે શ્રદ્ધાંજલિ પાઠવવાનું કહ્યું હતું, પરંતુ આ દરખાસ્તને નકારી દેવામાં આવી હતી.
ખેડૂતોને પાક વીમો અને વળતર ના આપવાનો આરોપ
પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોને મોંઘી વીજળી અપાય છે, પાક વીમો મળતો નથી, યોગ્ય વળતર ચૂકવાયું નથી, પૂરતું ધિરાણ અપાતુ ના હોવાથી ખેડૂતો હેરાન થાય છે. ખેડૂતોની આત્મહત્યાના બનાવો ગુજરાતમાં પણ વધી રહ્યા છે. ત્રણ ખેતી અને ખેડૂત વિરોધી કાયદાઓ પસાર કરી દેવામાં આવ્યા છે. સરકાર ખેડૂત અને ખેતીની વિરોધી રહી છે.
આ પણ વાંચોઃ બેરોજગારી મુદ્દે વિધાનસભાગૃહમાં હોબાળો, 8 શહેરી વિસ્તારોમાં 55,272 બેરોજગારો