ગાંધીનગર: કોવિડ-19ના કારણે ગુજરાતમાંથી પરપ્રાંતીય શ્રમિકો પોતાના રાજ્યમાં જઈ રહ્યાં છે, પરંતુ તેઓને ટિકિટ ભાડું આપવું પડે છે. કોંગ્રેસની માગ છે કે, સરકાર ટિકિટ ભાડું આપે. સરકાર કરોડો ફોગટમાં ખર્ચી નાંખે છે અને મજૂર પાસેથી ભાડું વસૂલ કરે છે, તેવા આક્ષેપ કોંગ્રેસ પક્ષે કર્યા હતા. જેના જવાબમાં રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં શ્રમિકોને વ્હારે થવાનું બહાનું બનાવી કૉંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતી કરવાનું બંધ કરે.
ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વસતા પરપ્રાંતીયોને મદદરૂપ થવાના બહાના હેઠળ ગુજરાત કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરવાનું બંધ કરે. શ્રમિકોને ગેરમાર્ગે દોરીને ગુજરાતની શાંતિ હણવાનો પ્રયાસ કરાશે, તો તેને સાંખી લેવાશે નહીં. આ ઉપરાંત ભરૂચ જિલ્લા ક્રોંગ્રેસ પ્રમુખ દ્વારા મદરેસામાં ભણતા 850 પરપ્રાંતીય વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના ઇશારે શ્રમિકોને માદરે વતન જવા સારૂ માટેનું રૂા. 637500 ભાડું ચુકવી તેની કોમવાદી માનસિકતા છતી કરી છે.
રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ પરપ્રાંતીયોને તેમના માદરે વતન પહોંચાડી દીધા છે અને આ કામગીરી હજુ પણ પૂરજોશમાં ચાલી રહી છે. કૉંગ્રેસે આ પૈકી 40 હજાર લોકોનું પણ ભાડુ ચુકવ્યું હોય તો રસીદો બતાવે. માત્રને માત્ર ગુજરાતમાં અરાજકતા ફેલાવવાના આશ્યથી તબલીગી, મદ્દરેસાઓ અને રમજાન માસમાં છૂટછાટની માંગણી સાથે કોમવાદી માનસિકતા છતી કરીને પરપ્રાંતીયોને ગેરમાર્ગે દોરવાનું તેમણે બંધ કરવું જોઇએ.
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, રામનવમી, હનુમાન જયંતિ, ચૈત્રી નવરાત્રી જેવા તહેવારો સમયે કૉંગ્રેસ બિનસાંપ્રદાયિકતા ભૂલી જાય છે અને આવા ખેલ કરીને ગરીબ, શ્રમિકના પૈસા ભરવા જેવા બહાનાઓ બનાવીને મગરના આસું સારે છે, તે તેને શોભતું નથી. કોમવાદી નીતિને વળગી રહેલી કોંગ્રેસ આજે દેશ ભરમાં કોરોનાનું સંક્રમણ થઇ રહ્યું છે, તેને રોકવા માટે મદદ કરવાના બદલે રાષ્ટ્રીય સ્તરેથી છેક રાજ્યકક્ષા સુધી રાજનીતિ કરવામાં આવી રહી છે તે અત્યંત નિંદનીય છે.
ભરૂચ જિલ્લામાં અસંખ્ય મદ્દરેસાઓ કાર્યરત છે. જેમાં કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે એ આપણે સૌ જાણીએ છીએ. એટલે રાજ્યના નાગરિકો તથા શ્રમિકોએ જાણી લેવું જોઇએ કે, કોંગ્રેસ મદદ કરવા નિકળી છે કે, રાજનીતિ કરવા એ જ સમજાતું નથી.
કોરોનાની મહામારીમાં પ્રજા ભયભીત છે, ત્યારે ક્રોંગ્રેસની આ રાજનીતિ નાગરિકોની માનસિકતા તોડવાનો કૃત્ય પ્રયાસ પ્રજાને આઘાત લગાડે છે. કૉંગ્રેસની નેતાગીરી સત્તા ભૂખની લાલસામાં ભરૂચના શ્રમિકોના બદલે માત્ર મદ્દરેસાના વિદ્યાર્થીઓના પૈસા ભરવા નિકળી છે તે તેમની કોમવાદી માનસિકતા છતી કરે છે.