- રાજ્યમાં સમગ્ર પરિસ્થિતિ પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામ શરૂ
- ગુરૂવાર 20 મે થી કોરોના વેક્સિનેશનની કામગીરી ફરી શરૂ કરાશે
- વાવાઝોડાથી સ્થળાંતરિત વ્યક્તિઓને ગુરૂવારથી કેશડોલ અપાશે
ગાંધીનગર : ગુજરાતના દરિયાકિનારે આવેલા તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી છે. ત્યારે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. જ્યાર બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને ગુજરાત પર આવેલા તૌકતે વાવાઝોડાની આપદાના બીજા જ દિવસે ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવીને અને થયેલી તારાજીનું હવાઇ નિરીક્ષણ કરીને ગુજરાત પ્રત્યેની પોતાની ચિંતા, લાગણી અને પ્રેમ દર્શાવ્યા છે. તે માટે સમગ્ર ગુજરાતની જનતાજનાર્દન વતી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છું.
નુક્સાનમાં તાત્કાલિક 1000 કરોડની સહાય જાહેર
મુખ્યપ્રધાનના જણાવ્યા પ્રમાણે, તૌકતે વાવાઝોડાથી થયેલા નુક્સાનમાં પણ તત્કાલ 1000 કરોડ રૂપિયાની સહાય અને વાવાઝોડાથી મૃત્યુ પામેલા લોકોને રૂપિયા 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય જાહેર કરીને તેમણે ગુજરાત પ્રત્યેની પોતાની હમદર્દી, લાગણી અને આપ્તજનભાવ દર્શાવ્યા છે.
ગુજરાત કદી ન ઝૂક્યું છે કે, ન રોકાયું છે
મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત કદી ન ઝૂક્યું છે કે, ન રોકાયુ છે. વિકાસના માર્ગે પૂર્વવત આગળ વધવાનો આપણો સંકલ્પની આગવી ખુમારી ધરાવે છે. તેનું સ્મરણ કરતાં કહ્યું કે, આ વખતે પણ વાવાઝોડું પસાર થયાના ગણતરી કલાકોમાં જ વીજળી, પાણી, રોડ-રસ્તા વગેરેની પરિસ્થિતિ પૂર્વવત કરવા રાજ્ય સરકારનું તંત્ર સતત પરિશ્રમરત થયું છે અને સમગ્ર પરિસ્થિતિને થાળે પાડવાના આયોજનબદ્ધ પ્રયાસો શરૂ થયા છે. તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યમાં 1200 જેટલા રસ્તાઓ બંધ થયા હતા. જે પૈકી 1100 જેટલા રસ્તાઓ પૂર્વવત કરવામાં આવ્યા છે. આ માટે માર્ગ અને મકાન વિભાગની 633 ટીમમાં 964 ઇજનેરો સહિત 3500થી વધુ શ્રમિકો 3528 જેટલી મશીનરી અને સાધનો સાથે કાર્યરત થયા છે. બાકીના રસ્તા ગુરૂવાર સાંજ સુધીમાં ચાલુ થઇ જશે.
295 જેટલી કોવિડ હોસ્પિટલોમાં વીજપુરવઠો બંધ કરાયો હતો
રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, તૌકતે વાવાઝોડાની આ સ્થિતિમાં રાજ્યની 295 જેટલી કોવિડ હોસ્પિટલોમાં વીજપુરવઠો બંધ કરાયો હતો અને જનરેટર સેટથી વિજળી આપવામાં આવતી હતી. હવે 295 પૈકી 269 કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે. 29 કોવિડ હોસ્પિટલ જે હાલ જનરેટર સેટ ઉપર ચાલે છે. ત્યાં ગુરૂવાર સાંજ સુધીમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.
રાજ્યમાં 2100 મોબાઈલ ટાવર ક્ષતિગ્રસ્ત થયા
મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યના આશરે 2100 જેટલા ક્રીટીકલ મોબાઇલ ટાવર ક્ષતિગ્રસ્ત થયા હતા. તે પૈકી 1500 જેટલા મોબાઇલ ટાવર ચાલુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ટાવર ચાલુ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. રાજ્યમાં આ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીના 80 હેડવર્ક પ્રભાવિત થયા હતા. તે પૈકી 47 હેડવર્ક ચાલુ કરી દેવાયા છે અને બાકીના આવતીકાલે એટલે કે ગુરૂવાર સાંજ સુધીમાં ચાલુ કરી દેવામાં આવશે.
કેશડોલ માટેની રાજ્ય સરકારની જાહેરાત
રાજ્ય સરકારે કોર કમિટિમાં એવો નિર્ણય કર્યો છે કે, ગુરૂવારથી જ તૌકતે વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલા વ્યક્તિઓને કેશડોલ આપવાનું પણ શરૂ કરવામાં આવશે. આ કેશડોલ અન્વયે પુખ્ત વયની વ્યક્તિઓને પ્રતિદિન રૂપિયા 100 અને બાળકોને એક દિવસના રૂપિયા 60 લેખે કેશડોલ આપવામાં આવશે. જે લોકોનું સ્થળાંતર 16 કે 17 મે ના દિવસે કરવામાં આવ્યું હશે. તેમને 7 દિવસની કેશડોલ ચૂકવાશે. જ્યારે 18મે ના રોજ સ્થળાંતરિત કરાયેલા લોકોને 3 દિવસની કેશડોલ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.