ગાંધીનગર : કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન અન્ય રાજ્યના શ્રમિકોને પોતાના રાજ્યમાં જવા માટે કેન્દ્ર સરકારે ગાઈડલાઇન્સ જાહેર કરી હતી. જે પ્રમાણે ગુજરાત સરકારે ટ્રેન મારફતે અન્ય રાજ્યના કુલ 14.13 લાખ શ્રમિકોને પોતાના વતન પહોંચાડ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી રાહતનિધિમાંથી 25 કરોડ રૂપિયા ભારતીય રેલવેને ચુકવણી કરવાનો આદેશ સીએમ રૂપાણીએ કર્યો છે.
લોકડાઉન દરમિયાન 28 મે, ગુરૂવારની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ 971 વિશેષ ટ્રેન દ્વારા આશરે 14.13 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં સફળતાપૂર્વક મોકલવામાં આવ્યા છે. આમ સમગ્ર દેશમાં સૌથી વધુ ટ્રેનો મારફત સૌથી વધુ પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતને પહોંચાડવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. જ્યારે સીએમ રૂપાણીએ ગુજરાતમાં રોજી રોટી માટે વસેલા અન્ય રાજ્યોના શ્રમિકોને ખાસ શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન દ્વારા તેમના વતન પહોંચાડવા માટે માનવીય અભિગમ દર્શાવી 25 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત નિધીમાંથી રેલવે મંત્રાલયને ચૂકવવાના આદેશો કર્યા છે.
આ બાબતે મુખ્યપ્રધાનના સચિવ અશ્વિનીકુમારે વધુ વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર દેશમાંથી પરપ્રાંતિય શ્રમિક ભાઈઓ-બહેનોને પોતાના વતન રાજ્યમાં પહોંચાડવા માટે તા. 28 મેની મધરાત સુધીમાં કુલ 3724 જેટલી ટ્રેન ચલાવવામાં આવી છે. આ ટ્રેનો મારફ્ત સમગ્ર દેશમાંથી 51,65,139 શ્રમિકો પોતાના વતને પહોંચ્યા છે. આ 3724 ટ્રેનો પૈકી ગુજરાતમાંથી સૌથી વધુ 971 જેટલી ટ્રેનો દોડાવી 14.13લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનોને પોતાના વતન રાજ્યમાં કોઇપણ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડવામાં આવ્યા છે.
કુલ 3724 ટ્રેનોમાંથી કયા રાજ્યએ કેટલી ટ્રેન ચલાવી
મધ્યપ્રદેશ 70
આસામમાંથી 01
બિહારમાંથી 212
ચંદીગઢમાંથી 11
દિલ્હીમાંથી 223
ગોવામાંથી 39
હરિયાણામાંથી 92
જમ્મુ-કાશમીરમાંથી 19
ઝારખંડમાંથી 02
કર્ણાટકમાંથી 185
કેરલમાંથી 58
મધ્યપ્રદેશમાંથી 08
મહારાષ્ટ્રમાંથી 749
નાગાલેન્ડમાંથી 01
ઓરિસ્સામાંથી 03
પોંડિચેરીમાંથી 02
પંજાબમાંથી 389
રાજસ્થાનમાંથી 115
તમિલનાડુમાંથી 188
તેલંગાણામાંથી 131
ત્રિપુરામાંથી 08
ઉત્તરપ્રદેશમાંથી 210
ઉત્તરાખંડમાંથી 13
પશ્ચિમ બંગાળમાંથી 02 ટ્રેન અને સૌથી વધુ ગુજરાતમાંથી ૯૭૧ ટ્રેન ચલાવવામાં આવી છે.
28 મે મધરાત સુધીમાં ગુજરાતમાંથી ક્યાં કેટલી ટ્રેન મોકલી
ઉત્તરપ્રદેશ માટે 557
બિહાર માટે 230
ઓડિશા માટે 83
ઝારખંડ માટે 37
મધ્યપ્રદેશ માટે 24
છત્તીસગઢ માટે 17 મુખ્યત્વે છે.
વિવિધ જિલ્લાઓમાંથી આવી શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન ચલાવી આશરે 14.13 લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે.