અમદાવાદ શહેરમાં કાર્યરત મેટ્રો રેલના 40.03 કિ.મીના પ્રથમ તબક્કામાં અંદાજીત કુલ 12787 કરોડનો ખર્ચ થયો છે. ગુજરાત મેટ્રો રેઇલ કોર્પોરેશનના MD એસ.એસ.રાઠોરે CM રૂપાણીને આ અંગે માહિતગાર કર્યા હતાં, તથા પ્રથમ તબક્કાના કુલ 40.03 કિ.મીના રૂટમાં 6.5 કિ.મી અંડરગ્રાઉન્ડ લાઇન સહિત 32 સ્ટેશન્સ અને 2 ડેપો તૈયાર કરવાની માહિતી આપી હતી.
CM રૂપાણીએ આ પ્રોજેકટમાં ચાલી રહેલા વાયેડકટ, સેગ્મેન્ટ તથા ટ્રેકના નિર્માણ બાંધકામ તેમજ ક્રોસ સેકશન પોર્ટલ સ્ટેશન્સની વિગતો મેળવી હતી. તેમણે ઇર્સ્ટન કોરીડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક, અંડરગ્રાઉન્ડ કોરીડોરમાં એપેરલ પાર્કથી કાલુપુર અને શાહપુર તેમજ ઇસ્ટવેસ્ટ કોરીડોરમાં થલતેજ ગામથી સ્ટેડિયમ સહિતના વિવિધ કોરીડોરની કામગીરી અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
અમદાવાદમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના પ્રોજેકટ અંતર્ગત 34.78 કિ.મીના માર્ગો પૈકી 8.41 કિ.મીમાં મરામતની જરૂરિયાત ઊભી થઇ છે. જેની મરામત કરવા માટે CM રૂપાણી દ્વારા સૂચના આપવામાં આવી છે.
બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરી, મુખ્યપ્રધાનના અગ્ર સચિવ એમ.કે.દાસ, અમદાવાદ મહાપાલિકાના કમિશ્નર વિજય નહેરા અને મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતાં.