- ગાંધીનગરમાં સીએમ રૂપાણીએ આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું
- 2100 આવાસ મકાનોનું કરાયું ખાતમુહૂર્ત
- આ સાથે જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સ્ટ્રોમ વોટર પ્રોજેકટનું પણ કરવામાં આવ્યું ખાતમુહૂર્ત
ગાંધીનગર: રાજ્યમાં ગરીબોને સારા મકાનો મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અમલમાં છે. ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલ ગુડા નગર રચના સાધના પ્લોટ નંબર 186 પાછળ 2100 જેટલા આવાસ મકાનોનું ખાતમુહુર્ત કર્યું હતું.
3 વર્ષમાં 300 જેટલી ટી.પી. મંજૂર કરવામાં આવી
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કુલ 300 જેટલી ટીપીઓને મંજુર કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક ડેવલોપમેંટ પ્લાન પણ પાસ કરવામાં આવ્યા છે. ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારનો સારો વિકાસ થાય અને આર્થિક રીતે નબળા લોકોને સારુ મકાન મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. શહેરના તેવા લોકો માટે જ રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
ભાજપ સરકારમાં તમામના કામ થાય છે, પૂરો પૈસો લોકો સુધી પહોંચે છે : વિજય રૂપાણી
કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસને આડેહાથે લીધી હતી અને જણાવ્યું હતું કે, ભૂતકાળના સમયમાં કોંગ્રેસ સરકારનું બજેટ આઠથી નવ હજાર કરોડ રૃપિયાનું જ હતું. પરંતુ હવે એટલા કામ તો અમે વિકાસ માટે કરી રહ્યા છે. પહેલાના સમયમાં કોંગ્રેસ જે એક રૂપિયો પ્રજાને મોકલતી હતી તે પ્રજા પાસે ફક્ત પંદર પૈસા જ પહોંચતા હતા. જ્યારે આજે પૂરેપૂરો એક રૂપિયો પ્રજા પાસે પહોંચે છે અને વિકાસના કામો થાય છે. આમ કોંગ્રેસના સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર ખૂબ ફૂલ્યો ફાલ્યો હતો. જ્યારે હવે ભ્રષ્ટાચાર નહીં હોવાનું નિવેદન પણ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કાર્યક્રમ દરમિયાન આપ્યુ હતું.
લેન્ડ ગ્રેબિંગમાં 500 જેટલા કેસો નોંધાયા : વિજય રૂપાણી
કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્ય સરકારે કરેલા કામોની યાદીની ઝલક આપી હતી. આ સાથે જ રાજ્ય સરકારે ગત વિધાનસભા સત્રમાં જે લેન્ડ એક્ટ ગુંડા એક્ટ જેવા ત્રણ મહત્વના કાયદાઓ લાવ્યા છે. તે બાબતે પણ ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં લોકો ગમે તે જમીન પોતાના નામે કરી દેતા હતા. ધમકી આપીને પોતાના નામે જમીનો ઝડપી લેતા હતા. પરંતુ હવે એવું નહીં થાય આ માટે રાજ્ય સરકારે વિધાનસભામાં કડક કાયદો બનાવ્યો છે. આ કાયદા હેઠળ છ મહિનાની અંદર જ કેસો પૂર્ણ કરવામાં આવશે. અત્યાર સુધીમાં આવા કુલ 500 જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા છે. જે કેસોની તપાસ હાલ ચાલુ છે.
EVM મશીન પર સવાલ ઉઠવનારાઓ હવે વેકસીન પર સવાલ ઉઠાવી રહ્યા છે : વિજય રૂપાણી
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથે લીધી હતી. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે પહેલા ચૂંટણી દરમિયાન કોંગ્રેસની હાર થતી હતી ત્યારે તેઓ EVM મશીન ઉપર સવાલ ઉઠાવતા હતા અને હવે જ્યારે ભારત દેશમાં કોરોનાની વેક્સિનેશન કાર્ય શરૂ થયું છે ત્યારે હવે કોંગ્રેસ વેક્સિનેશન પર પણ સવાલ ઉઠાવી રહી છે. આ ઉપરાંત તેમણે બુરી નજરવાલે તેરા મુંહ કાલા જેવી ટિપ્પણી પણ કરી હતી.