- આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે આપ્યું મહત્વનું નિવેદન
- અગાઉ પણ જે.વી. મોદીએ આપ્યું હતું રાજીનામુ
- કોરોનાની બીજી લહેર દરમિયાન આપ્યું હતું રાજીનામુ
ગાંધીનગર: ગુજરાત રાજ્યની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડના પદેથી રાજીનામું આપતા જે. વી. મોદી બાદ અન્ય ડૉક્ટરોએ પણ રાજીનામું આપ્યું છે, ત્યારે સમગ્ર દોષનો ટોપલો ગાંધીનગર બેઠેલા ઉચ્ચ અધિકારીઓ પર આવ્યો હોવાની વાતો પણ વહેતી થઇ છે, ત્યારે આ બાબતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે મીડિયા સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સરકારી નોકરીમાં ભરતી, બદલી અને રાજીનામું એક ભાગ છે, જ્યારે જે.વી.મોદીએ કોરોનાની બીજી લહેર દરમિયાન જ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે રાજીનામું સ્વીકાર્યું નહોતું.
જે.વી. મોદીએ બીજી લહેર દરમિયાન આપ્યું હતું રાજીનામું
અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટના પદ પર જે.વી. મોદીના રાજીનામા બાબતે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જે.વી. મોદીએ પોતાની બીજી લહેર દરમિયાન સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું, પરંતુ રાજ્યમાં જે રીતે પરિસ્થિતિ હતી અને અમદાવાદની પરિસ્થિતિ કેવી રીતે સામે આવી હતી. તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે કોઈપણ પ્રકારનું રાજીનામું સ્વીકાર્યું ન હતું અને થોડી રાહ જોવાની સૂચના રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી હતી, ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના કેસ હવે દસની આસપાસ આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે તેઓનું રાજીનામું સ્વૈચ્છિક સ્વીકાર કર્યું છે.
કોઈ પણ પ્રકારની જૂથબંધી સિવિલ હોસ્પિટલમાં નથી- મનોજ અગ્રવાલ
જે.વી.મોદીએ રાજીનામા બાદ અન્ય ત્રણ ડૉક્ટરોએ પણ રાજીનામું આપ્યું છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં જૂથબંધી હોવાની વાત પણ વહેતી થઇ છે, ત્યારે સમગ્ર બાબતમાં મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારની જૂથબંધી સિવિલ હોસ્પિટલમાં નથી અને જો હશે તો પણ તે ચલાવી લેવામાં આવશે નહીં. જ્યારે જે.વી. મોદીએ પોતાના અંગત કારણોસર સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે, જે રાજ્ય સરકારે સામેથી જ સ્વીકાર્યું છે.
31 જુલાઈ સુધી રાજીનામું નહિ સ્વીકારવાનો નિર્ણય
કોરોનાની બીજી લહેર દરમિયાન કોઈપણ વ્યક્તિ કે જેઓ મેડિકલ-પેરામેડિકલ અથવા તો ઇમરજન્સી વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેઓ જો સ્વૈચ્છિક રાજીનામું આપે તો તેના રાજીનામાનો સ્વીકાર નહીં કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. 31 જુલાઈ સુધી રાજ્ય સરકાર દ્વારા આવા એક પણ સ્વૈચ્છિક રાજીનામા સ્વીકારવામાં આવશે નહીં તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. આમ આ કારણોસર જ જે. વી. મોદીનું સ્વૈચ્છિક રાજીનામું રાજ્ય સરકારે સ્વીકાર્યું ન હતું.
સ્વૈચ્છિક રાજીનામું એ નોકરીનો ભાગ
મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, સરકારી નોકરીમાં ભરતી, બદલી અને સ્વૈચ્છિક રાજીનામું તથા નિવૃત્તિ એ એક જીવનનો ભાગ છે, જ્યારે સ્વૈચ્છિક રાજીનામું એ પોતાના દ્વારા કરવામાં આવેલો સ્વાયત નિર્ણય છે અને જો રાજ્ય સરકારને લાગે તો તેઓ રાજીનામું સ્વીકારતા નથી, પરંતુ રાજ્યમાં શ્રેષ્ઠ ડોક્ટરો હોવાથી જે.વી. મોદીનું સ્વૈચ્છિક રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે.