- રાજ્યના 29 મુખ્ય સચિવ અનિલ મુકિમ થશે નિવૃત
- અનિલ મુકિમ 31 ઓગસ્ટના દિવસે લેશે નિવૃત્તિ
- અગાઉ 6-6 મહિના 2 વખત મળી ચુક્યા છે એક્સ્ટેન્શન
ગાંધીનગર : રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ 31 ઓગસ્ટના દિવસે નિવૃત્ત થઇ રહ્યા છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સચિવને 6 મહિનાના 2 વખત એક્સ્ટેન્શન પણ મળી ચુક્યા છે, ત્યારે 31 ઓગસ્ટ 2021ના દિવસે તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ તરીકે અંતિમ દિવસ તરીકે કાર્ય કાળ પૂર્ણ કરશે. સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત કેડરના IAS અધિકારી અને હાલ દિલ્હીમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહેલા રાજકુમારને મુખ્ય સચિવ બનાવાય તેવી વાતચીતો સચિવાલયમાં ચાલી રહી છે. અનિલ મુકિમ વર્ષ 1985ની બેચના છેલ્લા અધિકારી છે.
ક્યાં 3 નામો છે CSના હરોળમાં
મળતી માહિતી પ્રમાણે રાજ્યના ગૃહ વિભાગના અગ્ર સચિવ પંકજકુમાર તથા ઉદ્યોગના અગ્ર સચિવ રાજીવ ગુપ્તાનું નામ ગુજરાતના મુખ્ય સચિવ તરીકે અગ્રતાક્રમમાં હતું. ત્યારે ગુજરાતના IPS અધિકારી અને હાલ દિલ્હીમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહેલા રાજકુમારને ગુજરાતના મુખ્ય સચિવ બનાવાય તેવી પણ ચર્ચા સચિવાલયમાં વેગવંતી બની છે. અનિલ મુકિમ 1985 બેચના છેલ્લા IAS અધિકારી છે, ત્યારે હવે 1986 બેચના અધિકારીને રાજ્યના મુખ્ય સચિવ બનાવાય તેવી શક્યતાઓ છે. 1986 બેચના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ રાજીવ કુમાર ગુપ્તા અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા જેવા 3 અધિકારીઓ જ બાકી રહ્યા છે.
અનિલ મુકિમ 1985 બેચના અધિકારી
ગુજરાતમાં હાલના મુખ્ય સચિવ અનિલ મુકીમ 1985 બેચના અધિકારી છે અને ત્યારબાદ તેઓની 1986માં કચ્છમાં કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી, ત્યારબાદ તેઓએ ભાવનગર કલેક્ટર, બરોડા કલેક્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર, સચિવાલયમાં GAD નાણા વિભાગ તથા દિલ્હી ખાતે ડેપ્યુટેશન સમય દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્સમાં પણ મહત્વના પદ પર ફરજ બજાવી છે, જ્યારે અનિલ મુકિમ ગુજરાત કેડરમાં 1985ના છેલ્લા અધિકારી છે.
ગુજરાતમાં કટોકટીના સમયમાં મુકિમ બન્યા ફ્રન્ટલાઈનર
વર્ષ 2001માં 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં કચ્છ, ભુજ, રાપર જેવા વિસ્તારોમાં ભૂકંપે તબાહી સર્જી હતી, ત્યારે રાજ્ય સરકારે આ કટોકટીના સમયમાં અનિલ મુકિમને અસરગ્રસ્ત વિસ્તારને ફરી ઊભું કરવા મહત્વની જવાબદારી સોંપી હતી. જેમાં અનિલ મુકીમ સતત 6 મહિના સુધી કચ્છમાં રોકાયા હતા અને પરિસ્થિતિને કાબુમાં કરી હતી. મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યાના ગણતરીના જ મહિનાઓ બાદ કોરોનાની પરિસ્થિતિ આવી હતી અને આ પરિસ્થિતિમાં પણ તેઓએ રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર આ તમામ મુદ્દા ઉપર પણ કાર્ય કર્યા છે.
નિવૃત્તિ બાદ અમદાવાદમાં રહેશે અનિલ મુકિમ
ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમનો જન્મ અમદાવાદમાં જ થયો હતો, જ્યારે નિવૃત્તિ બાદ પણ તેઓ અમદાવાદમાં રહેવાનો નિર્ણય કર્યો છે. જો કેન્દ્ર સરકાર તરફથી તેઓને ડેપ્યુટેશન ફરીથી આપવામાં ન આવે તો તેઓ નિવૃત્ત જીવન અમદાવાદમાં જ પસાર કરશે.