ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી શુક્રવારના રોજ ગુજરાત સરકારની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરવાના છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ મામલે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે, ત્યારે હવે અગ્રેસરની સાથે ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં સમગ્ર દેશમાં અન્ય રાજ્ય કરતાં લીડ કેવી રીતે વધે તે, બાબતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બનાવવામાં આવી છે. જે અંગેની જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી શુક્રવારના રોજ કરશે.
સૂત્રો તરફથી મળતી વિગત પ્રમાણે રાજ્યમાં નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસીની જાહેરાત થવાની છે, ત્યારે રાજ્યમાં MSME પોલિસી બાબતે પણ મહત્વની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરશે. MSME ક્ષેત્રે દેશમાં ગુજરાતની લીડ વધે તે માટે સરકાર નવી પોલિસી પ્રમાણે હવે આગળ વધશે. આ પોલિસી અંતર્ગત MSME સંખ્યામાં વધારો, FDIમાં વધારો અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ગુજરાતમાં આવવા સાથે ગુજરાતમાં જે ઇન્ડસ્ટ્રીઝના નિયમો છે, તે નિયમોમાં પણ ઘણી છૂટછાટ આપવામાં આવશે.
ગુજરાતની જૂની પોલીસી જૂન મહિનામાં જ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ કોરોનાને ધ્યાનમાં રાખીને નવી પોલિસીની જાહેરાત કરવામાં આવી ન હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ ઉપરાંત કોરોના કાળ દરમિયાન ચીનમાં કાર્યરત અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પોતાના પ્રોડક્શન ચીનમાં બંધ કર્યા હતા, ત્યારે આ કંપનીઓ ગુજરાતમાં આવે તે માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકડાઉન દરમિયાન અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટેના નવા નિયમો પણ બહાર પાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સમગ્ર દેશમાં મોડેલ રાજ્ય તરીકેની છાપ ધરાવે છે, ત્યારે હવે ગુજરાતના MSME તથા ઇન્ડસ્ટ્રીઝ સમગ્ર દેશમાં ગુજરાતને સૌથી વધુ લીડ ધરાવતું રાજ્ય બને, તે માટે સરકાર નવી પોલિસી પ્રમાણે હવે પ્રયાસો કરશે તેવી માહિતી પણ સૂત્રો પાસેથી મળી રહીં છે.