- રાજ્યમાં ડોક્ટર્સની હડતાલનો મામલો
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું આપ્યું નિવેદન
- ડોક્ટર્સની માંગ ખોટી છે હડતાળ પૂર્ણ કરે: મુખ્યપ્રધાન
ગાંધીનગર : કોરોના મહામારી ( Corona Virus )ની બીજી લહેરમાં પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની હતી. આ ઉપરાંત, હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને દવાઓ સહિતની તંગી જોવા મળી રહી હતી, પરંતુ હાલ કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ છે અને બીજી લહેરમાં ફરજ બજાવતા રાજ્યના રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા છેલ્લા 2 દિવસથી હડતાળ પાડવામાં આવી છે. ડોક્ટર્સની હડતાળ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી( CM Vijay Rupani )એ જણાવ્યું હતું કે, ડોક્ટર્સની માંગ ખોટી છે, જેથી તમામ ડોક્ટર્સ મિત્રો પોતાની ફરજ પર જોડાઈ જાય.
કોવિડમાં આપવામાં આવી હતી સ્પેશિયલ ડ્યુટી
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અગાઉ જણાવ્યું હતું કે, જ્યારે કોરોનાની પરિસ્થિતિ ખરાબ હતી, ત્યારે રાજ્યની તમામ જિલ્લાઓની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સને સ્પેશિયલ ડ્યુટી આપવામાં આવી હતી, પરંતુ હવે જે રીતે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને સતત ૨૪ કલાકમાં 30થી નીચે આવી રહ્યા છે, ત્યારે ડૉક્ટર્સ પણ હવે વધારે પડતા હોવાના કારણે તેઓને મૂળ જગ્યાએ મોકલવાની સૂચના કરવામાં આવી છે, પરંતુ ડોક્ટર્સએ પોતાના જ વોર્ડમાં ફરજ બજાવતા હોવાનું નિવેદન કરીને તેઓ હડતાળ કરી રહ્યા છે જે ગેરવ્યાજબી છે.
બોન્ડ તોડી શકે છે ડોક્ટર્સ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નિયમ પ્રમાણે ડોક્ટર્સએ કામ કરવું પડશે અને જો તેઓ કામ નહીં કરે તો તેઓ બોન્ડ તોડી શકે છે. MBBSના ડોક્ટર્સને બોન્ડ તોડવા બદલ 10 લાખ રૂપિયા રાજ્ય સરકારમાં જમા કરાવીને પોતે જ્યાં ઇચ્છે ત્યાં કામ કરી શકે છે, જ્યારે માસ્ટર કરેલા ડોક્ટર્સ રાજ્ય સરકારમાં 40 લાખ રૂપિયા જમા કરાવીને પોતાની રીતે પ્રેક્ટિસ કરી શકે છે, પરંતુ જો તેઓ સરકારમાં સેવા બજાવશે તો રાજ્ય સરકાર આપશે ત્યાં નિમણૂકની પસંદગી કરવી પડશે.
રાજ્યમાં ડોક્ટર્સ હડતાળ ગેરમાન્ય
રાજ્ય સરકારના વિકાસ દિનની ઉજવણી પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડોક્ટર્સની હડતાળને ગેરમાન્ય અને ગેરવાજબી ગણાવી હતી. આથી, હડતાળ પરત ખેંચીને પોતાના કામ પર જવાનું મુખ્યપ્રધાને નિવેદન આપ્યું હતું. અગાઉ પણ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે, તમામ ડોક્ટર્સ રાજ્ય સરકારની અને રાજ્યની જાહેર જનતાની આવકમાંથી અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ અત્યારે જે હડતાળ કરી રહ્યા છે, તે પણ ગેરમાન્ય હોવાનું નિવેદન આપ્યું હતું. આમ રાજ્ય સરકાર દ્વારા સતત ડોક્ટર્સની હડતાળ ગેરકાયદેસર હોવાનું નિવેદન આપીને રાજ્ય સરકાર હડતાળ તરફ કોઇ જ પ્રકારનો મોકો આપવા માંગતા નથી.