ન્યૂઝ ડેસ્ક: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ આખરે આજે 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાઈ ગઈ. કુલ 24 સભ્યોને નવા પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યા છે. જેમાં 10 પ્રધાનો કેબિનેટ કક્ષાના અને 14 પ્રધાનો રાજ્યકક્ષાના છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં તેમના સહિત કુલ 25 પ્રધાનોનો સમાવેશ થયો છે. આજે સાંજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા પ્રધાનમંડળની પહેલી બેઠક યોજાશે. આ બેઠકમાં શપથ લેનારા સૌ પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરવામાં આવશે.
આજે કેબિનેટકક્ષાના પ્રધાન તરીકે શપથ લેનારાઓમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવદી, ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી, કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર રાધવજી પટેલ, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, કનુભાઈ દેસાઈ, પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદિપ પરમાર, અર્જૂનસિંહ ચૌહાણે કેબિનેટકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.
ત્યાર બાદ સુરતના મજૂરા મતવિસ્તારના યુવા ધારાસભ્ય હર્ષ સંધવી, અમદાવાદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ જગદીશ પંચાલ, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનિષા વકિલ, મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોળ, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્ર પરમાર, રાધવ મકવાણા, વિનોદ મોરડીયા, દેવા માલમે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.
અપડેટ ચાલુ..