- મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીની પરંપરા યથાવત રાખી
- નવા વર્ષના દિવસે પંચદેવ મંદિર ખાતે દર્શન કર્યા
- પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને આનંદીબેન પટેલે પણ જાળવી હતી પરંપરા
- મુખ્યપ્રધાને નિવાસસ્થાને નાગરિકો સાથે શુભેચ્છા આપ- લે કરી
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં જ્યારે મુખ્યપ્રધાન (CM) તરીકે નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરજ બજાવી રહ્યા હતા, ત્યારથી જ તેમના દ્વારા ગાંધીનગર સેક્ટર 22 ખાતે આવેલ પંચ દેવ મંદિરે દર્શન કરીને જ નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હતી. જે પ્રથા ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીએ પણ યથાવત રાખી હતી. ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) પણ આજે શુક્રવારે ગાંધીનગર ખાતે આવેલા પંચદેવ મંદિર ખાતે દર્શન કરીને નવા વર્ષનો શુભારંભ કર્યો હતો અને ત્યારબાદ તેઓ સીધા ગાંધીનગરના અડાલજ ખાતે આવેલા મંદિરમાં ભગવાન દાદાના દર્શન કરવા પણ પહોંચ્યા હતા.
આ પણ વાંચો: Happy new year: વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુજરાતી નવા વર્ષની પાઠવી શુભેચ્છા
આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ થાય
કોરોના સંક્રમણકાળ દરમિયાન સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આત્મનિર્ભર ભારત તરફની પ્રેરણા આપી હતી અને આત્મનિર્ભર ભારતની મહત્વની જાહેરાત પણ કરી હતી. નવા વર્ષના દિવસે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) આત્મનિર્ભર ભારત નેમની સફળતા આત્મનિર્ભર ગુજરાતથી થાય અને ગુજરાતમાં આગામી દિવસોમાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેવો શુભેચ્છા સંદેશ પણ ગુજરાતના નાગરિકોને આપ્યો હતો.
આ પણ વાંચો: રાજ્ય સરકાર એક્શન મોડમાં: જાહેર જનતાને સ્પર્શતા અનેક નિર્ણયો અને પ્રોજેક્ટ 100 દિવસમાં પૂર્ણ કરશે
ભગવાન દાદાના દર્શન કર્યા
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ભગવાન દાદાના પરમ ભક્ત છે, ત્યારે તેઓ પંચદેવ મંદિરથી નીકળીને સીધા અડાલજ ત્રિમંદિર ખાતે ભગવાન દાદાના દર્શન કરવા પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ ત્યાંથી સીધા મુખ્યપ્રધાન નિવાસસ્થાન ખાતે આવેલા કોમ્યુનિટી સેન્ટર ખાતે ગાંધીનગર અને અમદાવાદના નાગરિકો સાથે શુભેચ્છા મુલાકાત કરી નવા વર્ષની શુભેચ્છાઓની આપ- લે કરી હતી.
![આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બને તેવી કામગીરી સાથે શુભેચ્છાઓ: ભૂપેન્દ્ર પટેલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnr-01-cm-new-year-guj-video-story-7204846_05112021085745_0511f_1636082865_105.jpg)
રાજેન્દ્ર ત્રિવેદી રહ્યા સતત હાજર
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી નવા વર્ષની ઉજવણી કરતા હતા, ત્યારે એક પણ પ્રધાન હાજર રહેતા ન હતા. પ્રથમ વખત મુખ્યપ્રધાન તરીકે નવા વર્ષની ઉજવણી કરનારા ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની સાથોસાથ રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજર રહ્યા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પંચદેવ મંદિર આવે તે પહેલાં જ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી મંદિર ખાતે પહોંચ્યા હતા અને ભુપેન્દ્ર પટેલનું મંદિર ખાતે સ્વાગત કર્યું હતું. જે બાદ કોમ્યુનિટી સેન્ટર ખાતે પણ મુખ્યપ્રધાન સાથે રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર હાજર રહ્યા હતા. આ ઉપરાંત કોમ્યુનિટી સેન્ટર ખાતે રાજ્યના સિનિયર IPS અધિકારીઓ સાથે પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓની આપ- લે કરી હતી.