ગાંધીનગરઃ મહાપાલિકામાં રાજ્યમાં સૌથી છેલ્લુ ડ્રાફ્ટ બજેટ મુકવામાં આવ્યું હતું, તેને શુક્રવારના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સુધારા સાથે રજૂ કરી મંજૂર કરાયું હતું. ગાંધીનગર મહાપાલિકા વિસ્તારને ફરીથી હરિયાળો કરવા માટે વૃક્ષારોપણ અને તેના જાળવણી ખર્ચ માટે 20 લાખ, સ્પોર્ટ્સ ક્લબ, જીમખાનું અને સ્નાનગૃહ માટે 5 કરોડ, શહેરમાં હાઇમાસ્ક ઈલેક્ટ્રીક પોલ લગાવવા માટે 15 લાખ, જ્યારે કોર્પોરેટરોના તાલીમી ખર્ચમાં 5 લાખનો વધારો કરાયો હતો.
ગાંધીનગર શહેરમાં અલગ-અલગ સેક્ટરો ફરતે દિવાલ બનાવવાનું રજૂઆતો મળી છે. તેને ધ્યાને લઈને 7 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તે ઉપરાંત ગાંધીનગરથી બાસણ ગામને જોડતા સાબરમતી નદી ઉપર પુલ બનાવવા માટે પણ 1 કરોડ રુપિયાની જોગવાઈ કરાઈ હતી.
ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરોને કામો સુચવ્યા મુજબ 9.50 લાખ રૂપિયા ફાળવવામાં આવતા હતા. જેમાં વધારો સાડા ત્રણ લાખ રૂપિયાનો વધારો કરીને 12.50 લાખ રૂપિયા હવે ફાળવવામાં આવશે. તે ઉપરાંત મહાપાલિકાની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને ફિક્શનનો સમયગાળો પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરાયો છે.
મહાપાલિકાના બજેટમાં મંજૂર કરાયા બાદ વિપક્ષ દ્વારા આ બજેટમાં કરવામાં આવેલા વેરાના વધારાને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાની કહ્યું હતું કે જો વેરામાં ઘટાડો કરવામાં નહીં આવે તો બજેટને મંજૂરી થવા દેવામાં નહીં આવે તે બાબતને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના રહીશોના માથે એક પણ વધારાનો વેરો નાખવામાં આવ્યો નથી, જુના વેરા મુજબ ચાલુ વર્ષે કામગીરી કરવામાં આવશે.