- પેટા ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકો મેદાનમાં
- 3 નવેમ્બરે પેટા ચૂંટણી માટે યોજાશે મતદાન
- ગુરુવારથી ભાજપના સ્ટાર પ્રચારકો ઉતરશે મેદાનમાં
ન્યૂઝ ડેસ્ક: ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે આગામી 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા તૈયારી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે ભાજપે પેટા ચૂંટણીના પ્રચાર માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જે ગુરુવારથી પ્રચારના મેદાનમાં ઉતરશે.
પોતાના ઉમેદવારોને જીતાડવા બન્ને પક્ષ મેદાનમાં
ગુજરાત વિધાનસભાની 8 બેઠક પરની પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને જીતાડવા ભાજપ અને કોંગ્રેસે તમામ જોર લગાવી દીધું છે. જેના અનુસંધાને ભાજપના સ્ટાર પ્રચારકો ગુરુવારથી પ્રચારના મેદાનમાં ઉતરશે.
સીએમ વિજય રૂપાણીનો વ્યસ્ત કાર્યક્રમ
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ પ્રચાર કાર્યક્રમમાં વ્યસ્ત રહેશે. તેઓ તમામ 8 બેઠક પર પ્રચાર કરશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી 28 અને 29 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં જાહેર સભાને સંબોધન કરશે. તેમની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહેશે.
કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા પણ કરશે પ્રચાર
આ ઉપરાંત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ 29 અને 30 ઓક્ટોબરે ચૂંટણી પ્રચારમાં જોડાશે. 23મી ઓક્ટોબરે ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની લીંબડી અને ધારીમાં જનસભાને સંબોધન કરશે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા 24 અને 25 ઓક્ટોબર તેમજ 30 અને 31 ઓક્ટોબરે જનસભાને સંબોધન કરશે. કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા તમામ દિવસો દરમિયાન પ્રચાર કાર્યમાં જોડાયેલા રહેશે.