ગાંધીનગરઃ ભાજપના અગ્રણી નેતાઓએ ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલા મુખ્ય કાર્યાલય 'કમલમ' ખાતેથી રામ મંદિરનું ભૂમિપૂજન કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો.
1992માં ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે આવેલી બાબરી મસ્જિદ હિન્દુવાદી સ્વયંસેવકો દ્વારા ધ્વસ્ત કરવામાં આવી હતી. કારણ કે, બાબરે 500 વર્ષ પહેલા રામમંદિર તોડીને આ મસ્જિદ ઊભી કરી હોવાનો મત છે.
ઘણા વર્ષોની રાહ જોયા બાદ સુપ્રીમ કોર્ટે હજારો પુરાવા ચકાસીને મૂળ જમીન રામ મંદિર નિર્માણ માટે આપવાનો ચૂકાદો આપ્યો હતો, ત્યારે તેના પાયાના ખોદકામમાં મંદિરના અવશેષો પણ મળી આવ્યા છે. અત્યારે હાલ મંદિર નિર્માણનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે.
આજે 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના 2014ના ચૂંટણી મેનિફેસ્ટોમાં રામ મંદિર નિર્માણનો ઉલ્લેખ હતો. જે તેમને પૂર્ણ કર્યો છે.
ભાજપના અગ્રણી નેતાઓએ ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલા મુખ્ય કાર્યાલય 'કમલમ' ખાતેથી ભૂમિપૂજન કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો. ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કાર્યકરોને જણાવ્યું હતું કે, રામમંદિરનું નિર્માણ દરેક વ્યક્તિ માટે હર્ષની બાબત છે. પરંતુ ઉત્સાહની ઉજવણીમાં અભિમાન ન કરવું જોઈએ અને કોઈની ભાવનાઓને ઠેસ પહોંચે તેવો વ્યવહાર ન કરવો જોઈએ.